Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

પડયા પર પાટુ... હવે મોબાઇલ ટેરીફ વધવાના એંધાણ

મોબાઇલ ફોનનો વપરાશ કરનારાઓ ઉપર પડશે બોજોઃ ટેલિકોમ કંપનીઓની ગ્રાહક દીઠ સરેરાશ કમાણી ઘટી રહી છે : તમામ ટેલિકોમ કંપનીઓ વિવિધ પ્‍લાનના ટેરીફ વધારવાની તૈયારી કરી રહી છેઃ છેલ્લે ડિસેમ્‍બર-૨૦૨૧માં ટેરીફ વધારવામાં આવ્‍યા હતા

નવી દિલ્‍હી તા. ૨૬ : મોબાઈલ ફોનનો વધુ ઉપયોગ કરનારાઓને ટૂંક સમયમાં મોંઘવારીનો મોટો ફટકો પડી શકે છે. તેનું કારણ એ છે કે ટેલિકોમ કંપનીઓ ફરી ટેરિફ વધારવા પર વિચાર કરી રહી છે. વાસ્‍તવમાં, નિષ્‍ક્રિય ગ્રાહકોને કારણે ટેલિકોમ કંપનીઓની ગ્રાહક દીઠ સરેરાશ કમાણી ઘટી રહી છે. તેને સુધારવા માટે કંપનીઓ ફરી ટેરિફ વધારવાની યોજના બનાવી રહી છે. અગાઉ ડિસેમ્‍બર ૨૦૨૧માં મોબાઈલ ટેરિફમાં વધારો કરવામાં આવ્‍યો હતો. આ હોવા છતાં, સક્રિય ગ્રાહકમાં ધરખમ વધારો થયો હતો.
તેનાથી પ્રોત્‍સાહિત થઈને ટેલિકોમ કંપનીઓ ફરી ટેરિફ વધારવાની તૈયારી કરી રહી છે. નિષ્‍ણાંતોનું કહેવું છે કે છેલ્લા કેટલાક મહિનાના ડેટાના તારણના આધારે એવું કહી શકાય કે બે કે ત્રણ કનેક્‍શનનો ઉપયોગ કરનારા ગ્રાહકો જ કંપનીઓ છોડી રહ્યા છે.
ટેલિકોમ ક્ષેત્રના નિષ્‍ણાતો કહે છે કે ભારતી એરટેલ ગ્રાહક દીઠ સરેરાશ કમાણી વધારવા પર ધ્‍યાન કેન્‍દ્રિત કરી રહી છે. તે જ સમયે, રિલાયન્‍સ જિયો તેના નેટવર્ક પર ગ્રાહકોની સંખ્‍યા વધારવા પર ભાર આપી રહી છે. નિષ્‍ણાતોના મતે ટેરિફમાં વધુ એક વધારા છતાં ટેલિકોમ સેક્‍ટર માટેનું આઉટલૂક ખૂબ જ મજબૂત દેખાય છે.
નિષ્‍ક્રિય ગ્રાહકોની બહાર નીકળવાથી કંપનીઓનો સક્રિય ગ્રાહક આધાર વધી રહ્યો છે. ઉદાહરણ તરીકે- નિષ્‍ક્રિય સબ્‍સ્‍ક્રાઇબર્સની સંખ્‍યામાં ઘટાડો થવાને કારણે રિલાયન્‍સ જિયોના સક્રિય સબ્‍સ્‍ક્રાઇબર બેઝ ટકાવારીમાં વધારો થયો છે. ફેબ્રુઆરીમાં, રિલાયન્‍સ જિયોના સક્રિય સબ્‍સ્‍ક્રાઇબર્સની સંખ્‍યા ૯૪ ટકા હતી, જે અત્‍યાર સુધીનું સર્વોચ્‍ચ સ્‍તર છે.
દેશની બીજી સૌથી મોટી કંપની ભારતી એરટેલને આ વર્ષેᅠએઆરપીયુᅠદર મહિને રૂ. ૨૦૦ થવાની અપેક્ષા છે. ડિસેમ્‍બર ક્‍વાર્ટરમાં કંપનીનોᅠએઆરપીયુᅠદર મહિને રૂ. ૧૬૩ હતો. તેવી જ રીતે વોડાફોન આઈડિયા પણᅠᅠએઆરપીયુᅠવધારવા પર ભાર આપી રહી છે. જોકે, કંપનીએ એઆરપીયુᅠરકમનો ખુલાસો કર્યો નથી.
ટેરિફમાં વધારાને કારણે છેલ્લા બે મહિનાથી મોબાઈલનો ઉપયોગ કરતા ગ્રાહકોની સંખ્‍યામાં ઘટાડો થઈ રહ્યો છે. તેનાથી વિપરીત, સક્રિય ગ્રાહકોની સંખ્‍યા વધી રહી છે. મતલબ કે પેમેન્‍ટ કરીને મોબાઈલનો ઉપયોગ કરનારા ગ્રાહકોની સંખ્‍યા વધી રહી છે. નિષ્‍ણાતોના મતે તેનું કારણ એ છે કે હવે ટેલિકોમ આવશ્‍યક સેવા બની ગઈ છે.

 

(11:04 am IST)