Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

ધર્મ સંસદ કેસ : દ્વેષપૂર્ણ ભાષણ આપનારાઓ સામે કેમ કોઈ પગલાં ન લીધા ? ઉત્તરાખંડ સરકારને સુપ્રીમ કોર્ટના વેધક સવાલો : રૂરકી ખાતે આયોજિત 'ધર્મ સંસદ'માં કોઈ અપ્રિય નિવેદન કરવામાં આવશે નહીં તેની ખાત્રી માંગી

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટે મંગળવારે ધર્મ સંસદ પર ભાજપ શાસિત હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડની ઝાટકણી કાઢી હતી. કોર્ટે ઉત્તરાખંડના મુખ્ય સચિવને સાર્વજનિક રૂપે કોર્ટમાં જણાવવા માટે નિર્દેશ આપ્યો કે રૂરકી ખાતે સ્થાપિત 'ધર્મ સંસદ'માં કોઈ અપ્રિય નિવેદન કરવામાં આવશે નહીં. આ કાર્યક્રમ બુધવારે યોજાનાર છે. આ સિવાય સર્વોચ્ચ અદાલતે હિમાચલ પ્રદેશમાંથી પણ સવાલો પૂછ્યા હતા.

એક અલગ સુનાવણીમાં, સુપ્રીમ કોર્ટે આ મહિનાની શરૂઆતમાં એક કાર્યક્રમ પર હિમાચલ પ્રદેશ સરકારને પણ વેધક પ્રશ્નો પૂછ્યા હતા. આ કથિત ધર્મ સંસદમાં મુસ્લિમો વિરુદ્ધ દ્વેષપૂર્ણ ભાષણો કરવામાં આવ્યા હતા અને હિંદુઓને હિંસાનો આશરો લેવા માટે આહવાન કરવામાં આવ્યું હતું.

સર્વોચ્ચ અદાલતે હિમાચલની ભાજપ સરકારને પૂછ્યું કે તેણે આગ લગાડનારાઓ સામે તાત્કાલિક પગલાં કેમ ન લીધા? કોર્ટે કહ્યું, "સરકારે આવી પ્રવૃત્તિ અટકાવવી પડશે. રાજ્ય સરકારે અમને જણાવવું પડશે કે કોઈ નિવારક પગલાં લેવામાં આવ્યા હતા કે નહીં.

9 મેના રોજ ફરીથી સુનાવણી માટે આ મામલાની યાદી આપતાં કહ્યું હતું કે, "સરકારે 7 મે સુધીમાં એફિડેવિટ દાખલ કરવી પડશે અને અમને જણાવવું પડશે કે આવી ઘટનાઓને રોકવા માટે શું પગલાં લેવામાં આવ્યા છે." ન્યાયાધીશોએ કહ્યું, "આ ઘટનાઓ અચાનક નથી બનતી. તે રાતોરાત નથી બનતી. તેની અગાઉથી જાહેરાત કરવામાં આવે છે. તમે તરત જ કેમ કાર્યવાહી ન કરી? સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા પહેલેથી જ લાગુ છે."તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(6:04 pm IST)