Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

દિલ્હી-એનસીઆરમાં વરસાદ પડતાં લોકોને ગરમીથી રાહત

વરસાદ અને વાવાઝોડાની આગાહી કરાઈ હતી ઃ મેદાની રાજ્યોમાં વરસાદથી ગરમીમાં રાહત ઃ ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને કરા પડવાના એલર્ટથી લોકો ચિંતામાં

નવી દિલ્હી, તા.૨૬ ઃ ઝડપી પવન અને વરસાદના કારણે હવે દિલ્હી-એનસીઆરના લોકોને ગરમીથી રાહત મળી છે. મોડી રાતે પડેલા વરસાદથી લોકોએ રાહતનો શ્વાસ લીધો. હવામાન વિભાગે પહેલા જ વરસાદ અને વાવાઝોડાની આગાહી વ્યક્ત કરી હતી. દિલ્હીમાં આજ સવારથી જ આંશિક રીતે વાદળ છવાયેલા છે.

મેદાની રાજ્યોમાં આ વરસાદ ગરમીમાં રાહત બનીને આવ્યો છે તો ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને કરા પડવાના એલર્ટે ત્યાંના નાગરિકોને ચિંતામાં નાખી દીધા છે. પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ અને વાવાઝોડાથી ભૂસ્ખલન થવાની પ્રબળ સંભાવના છે. આ વરસાદથી રાજ્યમાં ચાલુ ચારધામ યાત્રા પર પ્રભાવ પડી શકે છે.

દિલ્હી-એનસીઆરમાં ગુરૃવારે રાતે ૮ વાગે પડેલા વરસાદે ગરમીથી તપી રહેલા શહેરને રાહત આપી. અચાનકથી પારો ગગડ્યો. લઘુતમ તાપમાન ૨૫ ડિગ્રી નોંધાયુ તેમજ મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રી સેલ્સિયસ જ રહ્યુ. હરિયાણામાં ૨૫ મે એ વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના એક્ટિવ થવાથી વરસાદ સાથે ૫૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો જેનાથી રાજ્યમાં હવામાન ખુશનુમા થઈ ગયુ.

હિમાચલ પ્રદેશમાં પણ અલગ-અલગ જિલ્લામાં હિમવર્ષા જોવા મળી. કેટલાક સ્થળોએ વરસાદ, વીજળી અને ઝડપી પવન ફૂંકાવાનું અનુમાન વ્યક્ત કરતા એલર્ટ જારી કરવામાં આવ્યુ હતુ. શિમલા અને આસપાસના વિસ્તારોમાં કરા અને વીજળી ચમકવા સાથે વરસાદ પડ્યો હતો.

હવામાન વિભાગ અનુસાર આગામી દિવસોમાં ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં ધૂળ ભરેલી વાવાઝોડા સાથે વરસાદ અને કરા પડવાની શક્યતા છે. હવામાનમાં પરિવર્તન થવાની શક્યતા છે.

(8:09 pm IST)