Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

તિરુપતિ મંદિરની દેશભરમાં છે અધધ ૮૫,૭૦૫ કરોડ રૂપિયાની સંપત્તિ

દેશની વિવિધ બેન્‍કોમાં ૧૪,૦૦૦ કરોડથી વધારેની ફિક્‍સ્‍ડ ડિપોઝિટ છે જયારે લગભગ ૧૪ ટન સોનું છે

તિરુપતિ,તા. ૨૬ : તિરુમાલા તિરુપતિ દેવસ્‍થાનમ(TTD) એક સ્‍વતંત્ર ટ્રસ્‍ટ છે જે વિવિધ મંદિરોનું સંચાલન કરે છે. આ મંદિરોમાં પ્રસિદ્ધ વેંકટેશ્વર મંદિરનો પણ સમાવેશ થાય છે. આ મંદિર આંધ્ર પ્રદેશના તિરુપતિ જિલ્લામાં આવેલું છે. TTDએ દુનિયામાં સૌથી ધનિક હિન્‍દુ મંદિર સંસ્‍થા છે. આ સંસ્‍થા દ્વારા તાજેતરમાં જ જણાવ્‍યું છે કે દેશભરમાંTTDની જેટલી પણ સંપત્તિ છે તેનું એકંદરે મૂલ્‍ય કેટલું છે.

TTDના ચેરમેન વાય.વી. સુબ્‍બા રેડ્ડીના જણાવ્‍યા અનુસાર, વર્તમાન સમય અનુસાર મંદિરના ટ્રસ્‍ટ પાસે દેશના અલગ અલગ વિસ્‍તારોમાં ૯૬૦ પ્રોપર્ટી છે જે લગભગ ૭૧૨૩ એકર વિસ્‍તારમાં ફેલાયેલી છે. અને આ સંપત્તિની કિંમત ૮૫૭૦૫ કરોડ રુપિયા છે. વાય.વી. સુબ્‍બા રેડ્ડીએ પત્રકારોને જણાવ્‍યું કે વર્ષ ૧૯૭૪થી ૨૦૧૪ દરમિયાન વિવિધ TTD ટ્રસ્‍ટોએ અલગ અલગ સરકારો હેઠળ મંદિર ટ્રસ્‍ટની લગભગ ૧૧૩ સંપત્તિઓનો નિકાલ કર્યો હતો, અને તેના માટે વિવિધ કારણો દર્શાવવામાં આવ્‍યા હતા.

આ સિવાય તેમણે ખુલાસો કર્યો કે ૨૦૧૪થી લઈને અત્‍યાર સુધી કોઈ પણ પ્રોપર્ટી ડિસ્‍પોઝ કરવામાં નથી આવી. તેમણે જણાવ્‍યું કે, રાજય સરકારના આદેશનું પાલન કરતાં અગાઉના TTD ટ્રસ્‍ટ દ્વારા મારી ચેરમેનશિપ હેઠળ દર વર્ષે ટીટીડીની સંપત્તિ પર વ્‍હાઈટ પેપર રીલિઝ કરવાની સહમતિ દર્શાવી હતી. ગયા વર્ષે પ્રથમ વ્‍હાઈટ પેપર રીલિઝ કરવામાં આવ્‍યુ હતુ જયારે બીજું વ્‍હાઈટ પેપર તમામ સંપત્તિની માહિતી અને તેની કિંમત સાથે રીલિઝ કરવામાં આવ્‍યું છે અને ટીટીડીની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવ્‍યું છે. અમે શ્રદ્ધાળુઓની શ્રદ્ધાનું સન્‍માન કરીએ છીએ અને પારદર્શિતામાં વિશ્વાસ ધરાવીએ છીએ. ટેમ્‍પલ ટ્રસ્‍ટની સંપત્તિની સુરક્ષા કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ.

ઉલ્લેખનીય છે કે દેશની વિવિધ બેન્‍કોમાં TTDના ૧૪,૦૦૦ કરોડથી વધારેની ફિક્‍સ્‍ડ ડિપોઝિટ છે જયારે લગભગ ૧૪ ટન સોનું છે. વિશ્વભરના તમામ હિન્‍દુ મંદિર સંસ્‍થાનોમાં તિરુપતિ તિરુમાલા સૌથી ધનિક સંસ્‍થા છે. મોટી સંખ્‍યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન માટે આવતા હોય છે. માત્ર દક્ષિણ ભારત જ નહીં, દેશભરના લોકો અહીં ભગવાન વેન્‍કટેશ્વરની પૂજા કરવા માટે આવતા હોય છે. અગાઉ અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ શુક્રવારે તિરુમાલા મંદિરને રૂપિયા ૧.૫ કરોડનું દાન કર્યું હતું. અંબાણીએ પ્રસિદ્ધ મંદિરમાં પૂજા-અર્ચના કર્યાં બાદ તિરુમાલા તિરુપતિ દેવસ્‍થાનમને ડિમાન્‍ડ ડ્રાફટ આપ્‍યો હતો.

(10:49 am IST)