Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

રૂસ-યુક્રેન સંઘર્ષ વિરામ માટે સહમતઃ ટળ્‍યો યુદ્ધનો ખતરો

પેરીસમાં ૮ કલાક મંત્રણા બાદ બન્ને દેશો ટાઢા પડયાઃ જર્મની અને ફ્રાન્‍સે મધ્‍યસ્‍થતાની ભૂમિકા ભજવીઃ રૂસ-યુક્રેન વચ્‍ચે ફરી બેઠક યોજાશે : અમેરિકાએ રૂસને આપેલી ધમકી પણ કામ કરી ગઈઃ રૂસે કહ્યુ હવે બે સપ્તાહમાં સારા પરિણામો જોવા મળશે

પેરીસ, તા. ૨૭ :. રૂસ અને યુક્રેન વચ્‍ચે જંગની તૈયારીઓ અને અમેરિકી રાષ્‍ટ્રપતિ બાયડન દ્વારા પુટિન તથા તેમની પ્રેમિકા પર વ્‍યકિતગત પ્રતિબંધો લગાવવાની ચેતવણી વચ્‍ચે પેરીસથી સારા સમાચાર મળી રહ્યા છે. અહીં યોજાયેલી મોસ્‍કો તથા કીવના દૂતો વચ્‍ચેની મંત્રણામાં બન્ને દેશ સંઘર્ષ વિરામ પ્રત્‍યે વચનબદ્ધ નજરે પડયા હતા. જો કે એ કહેવાનુ મુશ્‍કેલ છે કે અમેરિકા તથા તેના સહયોગી નાટો દેશ તથા રૂસ વચ્‍ચે આનાથી ટેન્‍શન કેટલુ ઘટી શકશે ? રૂસ તથા યુક્રેન હાલ સંઘર્ષ વિરામ જારી રાખવા પર સહમત થવાની સાથે આવતા મહિને ફરી મંત્રણા કરવા તૈયાર થયા છે.
બેઠક બાદ ફ્રાન્‍સના દૂતે કહ્યુ હતુ કે ૮ કલાક ચાલેલી વાતચીતના સારા પરિણામો મળ્‍યા છે. રૂસ અને યુક્રેન વચ્‍ચેની વાતચીતમાં ફ્રાન્‍સ અને જર્મનીએ મધ્‍યસ્‍થતા ભજવી હતી. રૂસ દ્વારા યુક્રેનની સરહદે પોતાના સૈન્‍યના ખડકલાથી લાગતુ હતુ કે તે પોતાના નાટો સમર્થક પાડોશી દેશ યુક્રેન પર હુમલો કરી શકે છે. દરમિયાન નાટો તથા અમેરિકાએ રૂસ વિરૂદ્ધ પોતાની મોરચાબંધી વેગવંતી બનાવી છે.
અમેરિકાએ તો જેવલીન મિસાઈલો યુક્રેન મોકલી છે તો બાયડને રૂસના રાષ્‍ટ્રપતિ પુટીન અને તેમની પ્રેમિકા પર વ્‍યકિતગત પ્રતિબંધો લગાવવાની ધમકી આપી છે. એવુ મનાય છે કે રૂસ હવે નરમ પડયુ છે. પેરીસ મંત્રણા બાદ જારી સંયુકત નિવેદનમાં જણાવાયુ છે કે રૂસ અને યુક્રેન બીનશરતી સંઘર્ષ વિરામ માટે સહમત થયા છે. બે સપ્તાહ પછી જર્મનીના બર્લિનમાં આ મુદ્દે વાતચીત થશે. ફ્રાન્‍સે સંઘર્ષ વિરામના નિર્ણયનું સ્‍વાગત કર્યુ છે.
મંત્રણામાં સામેલ રૂસના દૂતે કહ્યુ છે કે તમામ મુદ્દે અસહમતી પછી પણ અમે પૂર્વી યુક્રેનમાં સંઘર્ષ વિરામ માટે સહમત થયા છીએ. બે સપ્તાહ પછી બર્લિનમા ફરી બેઠક યોજાશે. અમને આશા છે કે યુક્રેને અમારી વાતને સમજી લીધી છે અને આવતા બે સપ્તાહમા તેના પરિણામો દેખાશે.

 

(10:59 am IST)