Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

છોટા ઉદેપુર જીલ્લાના બોડેલી તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારની ધો.10ની છાત્રા સાથે ફોટો વાયરલ કરવાની ધમકી આપીને વારંવાર દુષ્‍કર્મ આચર્યુ

પ્રતિકાર કરે તો માર પણ મારતાઃ 2 શખ્‍સો સામે ફરિયાદ બાદ શોધખોળ

છોટાઉદેપુર: ગુજરાતમાં ફરી એક જ દિવસમાં બે દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં સુરતના ડિંડોલીમાં કિશોરી સાથે સામુહિક દુષ્કર્મ થયું છે, જ્યારે છોટાઉદેપુરના બોડેલીમાં શાળાની વિદ્યાર્થીનીને નરાધમે પીંખી નાખી હતી. રાજ્યમાં સગીરાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓમાં વધારો કરતી એક ઘટના બોડેલીમાં બની છે. બોડેલીની એક શાળામાં અભ્યાસ કરતી સગીરા સાથે દુષ્કર્મ થયું છે. જેમાં નરાધમ યુવક સગીરાને પંચમહાલના ડુમા પાસે આવેલા ડુંગર વિસ્તારમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું છે. જાણવા મળી રહ્યું છે કે યુવક સગીરાને તેના ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. સગીરાએ તેનો પ્રતિકાર કરતા નરાધમે તેણે માર માર્યો હતો. છેલ્લા બે વર્ષથી નરાધમ અવાર નવાર સગીરા સાથે દુષ્કર્મ આચરતો હતો. આખરે સગીરાએ માતાને જાણ કરતા બોડેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે બોડેલી તાલુકાના એક ગામની સગીરા શાળામાં ધોરણ 10 માં અભ્યાસ કરતી હતી. આ દરમિયાન એક યુવક તેને રસ્તામાં હેરાન પરેશાન કરતો હતો. નરાધમ યુવક સગીરાને તેના ફોટો વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપતો હતો. ત્યારે બોડેલીમાં શાળામાં જતી વખતે સગીરાને રસ્તામાં રોકી ધમકી આપી તેણે બાઈક ઉપર બેસાડી ડુંગરોમાં લઈ ગયો હતો, જ્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. પંચમહાલના ડુમાં પાસેના ડુંગર વિસ્તારમાં લઈ જઈ બળજબરીથી સગીરા સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. સગીરાએ યુવકને તાંબે ન થતા પ્રતિકાર કરતા દુષ્કર્મી સચિન બારીયાએ સગીરાને માર પણ માર્યો હતો. છેલ્લા બે વર્ષથી સગીરાને ધમકાવી નરાધમ અવાર નવાર સગીરા સાથે બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધતો હોવાનો આરોપ ફરિયાદમાં કરાયો છે.

આ ઘટનામાં જાણવા મળ્યું છે કે સગીરા ગ્રામ્ય વિસ્તારમાંથી બોડેલી અભ્યાસ માટે અપડાઉન કરતી હતી. આખરે નરાધમના ત્રાસમાંથી મૂક્ત થવા માટે તેણે સમગ્ર ઘટનાની હકીકત તેણીની માતાને જણાવી હતી. માતાએ દીકરીની આપવીતી જાણીને દંગ રહી ગઈ હતી, અને સગીરાની માતાએ આખરે દીકરીને ન્યાય અપાવવા માટે બોડેલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અગાઉ પણ બાડોલીમાં આ પ્રકારની ઘટના બની હતી

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાની એક સગીર વિદ્યાર્થીનીના અપહરણની ઘટના બનતા ચકચાર મચી ગઇ હતી. ઘટના અંગે માહિતી મળતા થોડા સમય માટે પોલીસ પણ દોડતી હતી. જો કે આ વિદ્યાર્થીનીનું અપહરણ કર્યા બાદ દુષ્કર્મ આચરાયું હોવાનું સામે આવ્યું છે. આ ઘટના અંગે હાઈસ્કૂલથી છૂટયા બાદ બહેનપણી સાથે ઘરે પરત ફરી રહેલ સગીરાને લગ્નની લાલચે બે યુવકોએ બાઈક ઉપર બેસાડીને ક્યાંક જતા રહ્યા હતા. બીજી તરફ બહેનપણી ઘરે પહોંચી હતી પરંતુ તરૂણી ઘરે પહોંચી નહોતી. જેના કારણે પરિવાર પણ ચિંતામાં મુકાયો હતો. જેના પગલે શાળા અને આસપાસ તથા મિત્રોના ઘરે તપાસ કર્યા બાદ પરિવાર પણ ચિંતિત બન્યો હતો. પોલીસ પાસે પહોંચીને ફરિયાદ કરી હતી. વિદ્યાર્થીની સગીર હોવાનાં કારણે પોલીસ પણ દોડતી થઇ હતી. જો કે પોલીસ ટેક્નિકલ સર્વેલન્સ ગોઠવીને કોઇ કાર્યવાહી કરે તે પહેલા જ તરૂણી ઘરે આવી ગઇ હતી. જો કે ઘરે આવી ત્યારે તે ખુબ જ ગભરાયેલી હતી.

જેથી પરિવાર તથા પોલીસે વિશ્વાસમાં લઇને પુછપરછ કરી હતી. જેમાં સામે આવ્યું કે, તે જ્યારે ઘરે પરત ફરી હતી ત્યારે બે યુવકો બાઇક લઇને તેની પાસે આવ્યા હતા. હું તને ખુબ જ પ્રેમ કરૂ છું અને તારી સાથે લગ્ન કરવા માંગુ છું તેમ કહીને તેને બાઇક પર બેસાડી દીધી હતી. બાઇક પર બેસાડીને તેને ડુંગર વિસ્તારમાં લઈ ગયા હતા. જ્યાં એક યુવકે દુષ્કર્મ આચર્યું હતું. જેના પગલે હવે સગીરાની માતા ફરિયાદી બનતા પોલીસે પોક્સો એક્ટ અને દુષ્કર્મ જેવી ફરિયાદો દાખલ કરી હતી. ફરિયાદ મળતા જ બોડેલી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારબાદ બંન્ને યુવકો વિરુદ્ધ અપહરણ, પોકસો અને દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી હતી.

(4:24 pm IST)