Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

૪ આંકડાવાળો હોલમાર્ક બંધ કરી દેવાયોઃ હવે માત્ર ૬ આંકડાવાળો જ માન્‍ય

બદલાઈ ચૂક્‍યા છે સોનું ખરીદવા-વેચવાના નિયમ તમારા ઘરમાં પડેલું જૂનું સોનું વેચવું હશે તો પહેલા હોલમાર્કિંગ કરાવવું પડશે

નવી દિલ્‍હી,તા. ૨૭: લગ્નની સીઝન ચાલી રહી છે. ભારતીય લગ્નોમાં સોનાના ઘરેણાંની ઘણી ડિમાન્‍ડ રહે છે. જો તમે સોનું ખરીદવા જાઓ છો તો કેટલીક વાતોનું ધ્‍યાન રાખવું જરૂરી છે. હોલમાર્ક વિશે તમે પહેલા સાંભળ્‍યું જ હશે. ૧ એપ્રિલથી હોલમાર્ક વિનાના સોનાની ખરીદી અને વેચાણ બંધ થઈ ચૂક્‍યું છે. સોનાની ખરીદી માટે હોલમાર્ક જરૂરી છે, પરંતુ તમે ૪ આંકડાવાળા હોલમાર્કને જોઈને વિશ્વાસ ન કરી લેતા, કેમકે ૪ આંકડાવાળો હોલમાર્ક પણ હવે અમાન્‍ય થઈ ગયો છે. સોનું ખરીદતા પહેલા આ બાબતો તપાસી લેજો.

કેન્‍દ્ર સરકારે સોનાના ઘરેણાંમાં હોલમાર્કના નિયમોમાં ફેરફાર કર્યો છે. સરકારે ૧ એપ્રિલથી ૪ આંકડાવાળા હોલમાર્ક યુનિક આઈડીને પણ અમાન્‍ય કરી દીધો છે. સરકારે કહ્યું કે, ૧ એપ્રિલથી ૪ આંકડાવાળા હોલમાર્કના ઘરેણાંના વેચાણની મંજૂરી નથી. એવામાં જો જવેલર્સ તમને હોલમાર્કના નામે મૂર્ખ બનાવે તો સાવચેત રહેજો. હોલમાર્ક યુનિક આઈડેન્‍ટિફિકેશન નંબર એટલે કે HUIDને જોઈને જ સોનું ખરીદવું જોઈએ. ૨ પ્રકારના હોલમાર્કથી લોકોમાં કન્‍ફયુઝન ન થાય એટલે સરકારે ૪ આંકડાવાળા હોલમાર્કને બંધ કરવાનો નિર્ણય લીધો છે. હવે, માત્ર ૬ આંકડાવાળા હોલમાર્કનો જ ઉપયોગ કરી શકાશે.

સરકારે ૧ એપ્રિલથી સોનું ખરીદવા અને વેચવાના નવા નિયમ બનાવી દીધા છે. નવા નિયમ મુજબ, હવે માત્ર ૬ આંકડાવાળા અલ્‍ફાન્‍યૂમેરિક હોલમાર્ક જ માન્‍ય છે. સરકારે ૧ એપ્રિલથી ૬ આંકડાવાળા અલ્‍ફાન્‍યૂમેરિક ણ્‍શ્‍ત્‍ઝ કોડની શરૂઆત કરી દીધી છે. આધાર કાર્ડની જેમ આ ૬ આંકડા સોનાની શુદ્ધતાની ઓળખ હશે. આ ૬ આંકડાવાળી ખાસ ઓળખમાં ઘણી મહત્‍વની જાણકારી હોય છે. આ બીઆઈએસ માર્કમાં સોનાની શુદ્ધાતા, તેની જાડાઈ, પરીક્ષણ કેન્‍દ્રનો નંબર, જવેલર્સનો નંબર જેવી મહત્‍વની જાણકારી હોય છે.

સોનું ખરીદવા માટે જ નહીં, પરંતુ વેચવા માટે પણ હોલમાર્કની જરૂર છે. હોલમાર્ક વિનાના સોનાના ઘરેણાં તમે બદલી કે વેચી શકશો નહીં. એટલે કે, તમારા ઘરમાં જે જૂના સોનાના ઘરેણા રાખેલા છે, તેને વેચતા કે બદલતા પહેલા તેનું હોલમાર્કિંગ કરાવવું પડશે. હોલમાર્કિંગનો અર્થ છે કે, સોનાની શુદ્ધાતાનો માપદંડ. ભારતીય માનક બ્‍યૂરો એટલે કે BIS સોનાની શુદ્ધતાની તપાસ કરે છે. એ જવેલરીમાં કેટલું સોનું છે, તેના આધાર પર તેને ટેગ કે નંબર મળે છે. આ સમગ્ર પ્રક્રિયાને હોલમાર્ક કહેવાય છે.

હોલમાર્કની ઓળખ તપાસવા માટે સૌથી પહેલા બીઆઈએસ માર્ક જુઓ. કેરેટમાં તેની પ્‍યોરિટી ત્‍યાં લખેલી હોય છે. જો સોનું ૨૨ કેરેટનું છે, તો ત્‍યાં 22K916 લખ્‍યું હશે. સોનાના હોલમાર્કિંગની અસર તેના મેકિંગ ચાર્જ પર નથી પડતી. હોલમાર્ક વિનાનું સોનું વેચવા પર જવેલર્સને તેની કિંમત કરતા પાંચ ગણો વધુ દંડ પડી શકે છે.

(12:27 pm IST)