Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

મા-બાપની સેવા કરવા છોડી નોકરીઃ હવે ઘરે રહી આ કામ માટે લે છે ૬ લાખનું પેકેજ

છોકરી બની ગઈ 'સેલરી લેનારી દીકરી'

બીજીંગ,તા. ૨૭ : આપણાં દેશમાં માતા-પિતાની વધતી ઊંમરમાં તેમની સેવા કરવી સંતાનનું કર્તવ્ય માનવામાં આવે છે. આ માટે તેમને કોઈ પગાર નથી જોઈતો, તે પોતે જ પોતાના વડીલો માટે જેટલું થઈ શકે, તેમને સમય અને સેવા આપે છે. જો કે, આજે આપણાં પાડોશી દેશ ચીનની એવી દીકરી વિશે વાત કરીએ, જેની સાથે રહેવા માટે તેના માતા-પિતા તેને મહિનાની સેલરી આપે છે.

સાઉથ ચાઈના મોર્નિગ પોસ્ટના એક રિપોર્ટ પ્રમાણે હાલ ત્યાંના લોકો સોશિયલ મીડિયા પર એક એવી દીકરીની સ્ટોરી વાયરલ થઈ રહી છે, જેણે પોતાના માતા-પિતાની સેવા કરવા માટે પોતાની નોકરી છોડી દીધી છે. જો કે, એ વાત જુદી છે કે તે આ માટે પોતાના વૃદ્ઘ માતા-પિતા પાસેથી પગાર લે છે. રસપ્રદ વાત એ છે કે આ જોબ તેના પેરેન્ટ્સે જ તેને ઓફર કરી છે.

તમે અનેક પેરેન્ટ્સને કહેતા સાંભળ્યા હશે કે જેટલું તેમના બાળકો કમાય છે, તેટલું તે તેમને ઘરે બેસીને ખવડાવી શકે છે. અહીં પણ કંઈક એવું જ હતું. ૪૦ વર્ષની મહિલા એક ન્યૂઝ એજન્સીમાં ૧૫ વર્ષથી કામ કરતી હતી. આથી તેને ખૂબ જ તાણ અને ૨૪ કલાક ફોન પર રહેવાની ટેવ પડી ચૂકી હતી. આ જોઈને તેના માતા-પિતાએ ઓફર આપી કે તે પોતાની નોકરી છોડી દે. આના બદલે તે તેની આર્થિક જરૃરિયાતોનું ધ્યાન રાખશે.

છોકરી બની ગઈ સેલરી લેનારી દીકરી મહિલાએ વિચાર્યા બાદ આ ઓફર સ્વીકારી લીધી. તેના માતા-પિતાના મહિનાની પેન્શન ૧૨ લાખ રૃપિયાથી પણ વધારે છે. જેમાંથી તે ૪૭ હજારથી થોડીક વધારે રકમ પોતાની દીકરી ઘરે રહી તેની સેવા કરવા માટે આપે છે. હવે તેમની દીકરી સવારે એક કલાક માતા-પિતા સાથે ડાન્સ કરે છે, તેમની સાથે સામાન ખરીદવા જાય છે. સાંજે પિતા સાથે જમવાનું બનાવે છે. તે તેમની માટે ડ્રાઈવર અને ઈલેકટ્રોનિક સાથે જોડાયેલી બધી વસ્તુઓનું ધ્યાન પણ રાખે છે. દર મહિને તે ૨ ફેમિલી ટ્રિપ પર જાય છે અને દીકરીનું કહેવું છે કે તેનું જીવન હવે ખૂબ જ આરામદાયક થઈ ગયું છે.

(11:32 am IST)