Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

પાકિસ્‍તાનનો જ ક્રિકેટર કહે છે, એશિયા કપ માટે પાકની ભૂમિ સલામત નથી

પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ કહ્યું ન્‍યુટ્રલ જગ્‍યાએ એશિયા કપનું આયોજન કરવું જોઈએ

નવી દિલ્‍હી : એશિયા કપ અંગે ચાલી રહેલા વિવાદ વચ્‍ચે પાકિસ્‍તાનના પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરીયા એ મોટો ધડાકો કર્યો છે અને તેણે ખુદ પોતાના દેશની ભૂમિને અસલામત ગણાવી છે અને એમ કહ્યું છે કે એશિયા કપ ૨૦૨૩ નું આયોજન ન્‍યુટ્રલ જગ્‍યા પર થવું જોઈએ.

 

પાકિસ્‍તાનની ક્રિકેટ ટીમના એક જમાનાના સ્‍પીનર કનેરિયાએ એમ પણ કહ્યું છે કે અત્‍યારે પાકિસ્‍તાનમાં રાજકીય હાલત ઠીક નથી અને ભારે અસ્‍થિરતાનું વાતાવરણ છે ત્‍યારે એશિયા કપ માટે પાકિસ્‍તાનની ભૂમિ યોગ્‍ય લાગતી નથી.

આ વખતે એશિયા કપની મેજબાની પાકિસ્‍તાનને મળી છે અને પાછલા વર્ષે જ બંને દેશો વચ્‍ચે ચાલી રહેલા રાજકીય પ્રશ્નને કારણે ભારતે આ ટુર્નામેન્‍ટ માટે પાકિસ્‍તાન જવાનો ઇનકાર કરી દીધો હતો. ત્‍યારબાદ પાકિસ્‍તાન ક્રિકેટ બોર્ડ દ્વારા ભારતમાં યોજાનાર વર્લ્‍ડ કપ ૨૦૨૩ માં ભાગ લેવાનો ઇન્‍કાર કરીને ધમકીની ભાષામાં વાત કરી હતી પરંતુ ત્‍યારબાદ પાકિસ્‍તાન બોર્ડનું વલણ નરમ પડી ગયું હતું.

પરંતુ હવે જ્‍યારે ખુદ પાકિસ્‍તાનનો જ પૂર્વ ક્રિકેટર એશિયા કપ પાકિસ્‍તાનમાં યોજવા સામે ખતરો બતાવી રહ્યો છે અને ન્‍યુટ્રલ જગ્‍યા પર આયોજન કરવાનું સૂચન કરી રહ્યો છે ત્‍યારે પાકિસ્‍તાનની હાલત ખરેખર કેટલી ચિંતાજનક છે જેનો અંદાજ આવી જાય છે અને આ બારામાં હવે આગામી દિવસોમાં કોઈ નવો નિર્ણય લેવામાં આવે તેવી પણ શકયતા છે.

(3:23 pm IST)