Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

ઈતિહાસ બદલવાના ઇરાદે જ નવું સંસદ ભવન બનાવ્યું : નીતિશ કુમાર

નવા સંસદ ભવનના મોદીના હસ્તે ઉદ્ઘાટનનો વિવાદ વકર્યો : આ તો ઈતિહાસ છે, આઝાદી પછી જે વાત જે વસ્તુ જ્યાંથી શરૃ થઇ હતી તેને ત્યાં જ વિકસિત કરી દેવાની જરૃર હતી

નવી દિલ્હી, તા.૨૭ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે, જેને લઈને રાજકારણ ગરમાઈ રહ્યું છે. કોંગ્રેસ સહિત ૨૧ વિરોધ પક્ષોએ ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. વિરોધ પક્ષોનું કહેવું છે કે દેશની સંસદનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા થવું જોઈએ.

હવે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે અલગ નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે નવું સંસદ ભવન બનાવવાની જરૃર જ શું હતી? તેમણે કહ્યું કે સરકાર ફક્ત ઈતિહાસ બદલવાના ઇરાદે જ આ કામ કરી રહી છે.

નીતીશ કુમારે કહ્યું, 'શરૃઆતમાં પણ એવી વાત કરવામાં આવી રહી હતી કે આ (સંસદ ગૃહ) બની રહ્યું છે, ત્યારે પણ અમને તે પસંદ નહોતું. આ તો ઈતિહાસ છે, આઝાદી પછી જે વાત જે વસ્તુ જ્યાંથી શરૃ થઇ હતી તેને ત્યાં જ વિકસિત કરી દેવાની જરૃર હતી, તેને અલગથી બનાવવાનો શું મતલબ છે?  શું તમે જૂનો ઈતિહાસ જ બદલી નાખશો? તેઓ નવું સંસદ ભવન બનાવી રહ્યા છે તે અમને પસંદ નથી. તેઓ માત્ર જૂનો ઈતિહાસ બદલવા માંગે છે. નવા સંસદ ભવનનું નિર્માણ કરવાની કોઈ જરૃર નહોતી.  હું તેની વિરુદ્ધ છું. આ બધા લોકો ઈતિહાસ બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યાં જવાનો કોઈ ફાયદો નથી. ત્યાં જવાનો કોઈ અર્થ નથી.

ઉદ્ઘાટન સમારોહનો વિરોધ કરી રહેલા વિપક્ષી દળો અંગે નીતિશે કહ્યું, *અન્ય પક્ષો કહી રહ્યા છે કે તેઓ રાષ્ટ્રપતિને આમંત્રણ ન આપવાને કારણે નથી જઈ રહ્યા. કારણ ગમે તે હોય, પરંતુ અમને લાગે છે કે જેની જરૃર જ નહોતી તેને કેમ અલગથી બનાવાયું. જે જૂની ઈમારત હતી તેને જ સુધારી દીધી હોત, શું હવે ઈતિહાસને ભુલાવી દઈશું? તમે જાણી લો જે આજે સત્તામાં છે તે સંપૂર્ણ ઈતિહાસ બદલી નાખશે. આઝાદીની લડાઈના ઈતિહાસને બદલશે. જે પ્રથમ વડાપ્રધાન હતા નહેરુજી, તેમના મૃત્યુ સમયે અમે સ્કૂલમાં ભણતા હતા... અમે માનીએ છીએ કે દેશનો જે ઈતિહાસ છે તે ખૂબ જ જરૃરી છે... નવો બનાવવાની જરૃર શું હતી... આ લોકો સંપૂર્ણ ઈતિહાસ સાથે ચેડાં કરી રહ્યા છે. તેને બદલી નાખવાના ઈરાદે જ આ કામ કરી રહ્યા છે.

(7:26 pm IST)