Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

અરરિયામાં મધ્યાન ભોજનમાં સાંપ જોવા મળતાં ખળભળાટ

બિહારમાં મધ્યાન ભોજનમાં ફરી બેદરકારી સામે આવી : ૧૦૦ કરતા વધારે બાળકોએ આ ભોજન ખાધું હતું

પટના, તા.૨૭ : બિહારના અરરિયા જિલ્લામાં સ્કુલના બાળકોના મધ્યાહન ભોજનમાં સાપ જોવા મળતાં ખળભળાટ મચી ગયો છે. સુત્રોમાંથી મળી રહેલી માહિતી મુજબ ૧૦૦ કરતા વધારે બાળકોએ આ ભોજન ખાધું હતું. ઘણા બાળકોના વાલીઓ અને સંબંધીઓ શાળાએ પહોંચ્યા

મધ્યાહન ભોજનમાં સાપ મળી આવતાં જ શાળામાં હોબાળો મચી ગયો હતો. ઘણા બાળકોના વાલીઓ અને સંબંધીઓ શાળાએ પહોંચ્યા હતા. તમામ બાળકોને તાત્કાલિક ધોરણે સારવાર માટે સબ-ડિવિઝનલ હોસ્પિટલ ફોરબિશગંજમાં દાખલ કરવામાં આવ્યા છે. આ મામલો જોગબાની મ્યુનિસિપલ કાઉન્સિલની અમોના માધ્યમિક શાળાનો છે.

એનજીઓ દ્વારા શાળાના બાળકોને ભોજન પીરસવામાં આવ્યું હતું. એસડીઓ અને ડીએસપી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આ ઘટનાની જાણ થતા જ લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ છે. બાળકોના ભોજનમાં શાળા મેનેજમેન્ટની ઘોર બેદરકારીના કારણે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ પહેલા બિહારમાં ૧૮ મેના રોજ મિડ-ડે મીલમાં એક ગરોળી મળી આવી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે બિહારના સારણ જિલ્લામાં ૧૮ મેના રોજ મધ્યાહ્ન ભોજન ખાધા પછી ઓછામાં ઓછા ૩૫ શાળાના બાળકો બીમાર પડ્યા હતા. ઘટના ડુંદ્રી ટીકુરિયા ગામની છે જ્યા ખોરાકમાં ગરોળી જોવા મળી હતી.

(7:27 pm IST)