Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

બજરંગદળ-RSS પર પ્રતિબંધનો પ્રયાસ થશે તો કોંગ્રેસ ખાખ થઈ જશે

બીજેપી આઈટી સેલના વડા અમિત માલવિયાએ કહ્યું : વાહિયાત ટિપ્પણીઓને બદલે, કોંગ્રેસે તેની ૫ ગેરંટી પૂરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ : અમિત માલવિયા

નવી દિલ્હી, તા.૨૭ : અગાઉ પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ, ઈન્દિરા ગાંધી, નરસિમ્હા રાવ સરકારે આરએસએસ પર પ્રતિબંધ લગાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ સફળ થઈ શક્યા ન હતા અને હવે જો કોંગ્રેસ બજરંગ દળ અને આરએસએસ પર પ્રતિબંધ લગાવવાનો પ્રયાસ કરશે તો તે બળીને રાખ થઈ જશે. પ્રિયંક ખડગે દેશનો ઈતિહાસ જાણે તો સારું રહેશે. તેમણે કંઇ પણ બોલતા પહેલા વિચારી લેવું જોઈએ.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયંક ખડગેએ કહ્યું હતું કે તેમની સરકાર કર્ણાટકમાં શાંતિ ભંગ અથવા સાંપ્રદાયિક વાતાવરણને બગાડવાનો પ્રયાસ કરનાર કોઈપણ સંગઠન પર પ્રતિબંધ મૂકતા અચકાશે નહીં. ખરેખર કોંગ્રેસે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે જાહેર કરેલા તેના ઢંઢેરામાં કહ્યું હતું કે, રાજ્યમાં સત્તામાં આવતાની સાથે જ તે બજરંગ દળ, પીએફઆઈ અને ધર્મ, જાતિના આધારે સમુદાયો વચ્ચે નફરત ફેલાવનારા તમામ સંગઠનો પર પ્રતિબંધ લગાવશે.

જ્યારે પ્રિયંક ખડગેને સરકારના આ વચન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો કે અમે કહ્યું હતું કે જે પણ સંગઠન સમાજમાં નફરતના બીજ વાવવાનો પ્રયાસ કરશે તેની સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. ભાજપ અમારી સરકારના નિર્ણયથી ગભરાઈ કેમ રહ્યો છે? અમે કાયદા મુજબ જ અને કાયદાનું ઉલ્લંઘન કરનારા લોકો સામે જ કાર્યવાહી કરવાના છીએ. આવી સ્થિતિમાં ભાજપ કેમ નથી કહેતો કે તેઓ કંઈ પણ ગેરકાયદેસર નથી કરી રહ્યા. ખડગેના નિવેદન પર બીજેપી આઈટી સેલના વડા અમિત માલવિયાએ પલટવાર કર્યો છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે શું પ્રિયંક ખડગે કર્ણાટકના સુપર સીએમ છે? અથવા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો પુત્ર હોવાને કારણે તેમને સીએમ સિદ્ધારમૈયા અને ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારથી આગળ બોલવાનો અધિકાર મળી ગયો છે? પોર્ટફોલિયો વગરના મંત્રીઓને આવી વાહિયાત ટિપ્પણીઓ કરવા દેવાને બદલે, કોંગ્રેસે તેની ૫ ગેરંટી પૂરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ... લોકો બેચેન થઈ રહ્યા છે અને જો કોંગ્રેસ તેના વચનોથી પીછેહઠ કરશે તો લોકો માર્ગો પર ઊતરવા તૈયાર છે.

(7:31 pm IST)