Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

સલમાન ખાનને ઈવેન્ટમાં આવેલી એલેના ખલીફેહે લગ્ન માટે પ્રપોઝ કર્યું

પર્સનલ લાઈફને લઈને પણ અભિનેતા ચર્ચામાં : અભિનેતા સલમાનખાને હળવાશથી પ્રપોઝલ ફગાવી દેતા કહ્યું, ૨૦ વર્ષ પહેલાં આવ્યા હોત તો હું કંઈક વિચારત

મુંબઈ, તા.૨૭ : બોલીવૂડના દબંગ ખાન એટલે સલમાન ખાન પોતાની ફિલ્મો સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહેતા હોય છે. હાલ સલમાન ખાન આઈઆઈએફએ ૨૦૨૩ને લઈને ચર્ચામાં છે, જ્યાંથી તેના કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યા છે.

આ વાયરલ થઇ રહેલા વીડિયોમાં એક વીડિયો એવો પણ છે જેમાં એલેના ખલીફેહ તેને પ્રપોઝ કરતી જોવા મળી રહી છે. સલમાનને પ્રપોઝ કર્યા બાદથી એલેના લાઈમલાઈટમાં આવી ગઈ છે.

દેશ-વિદેશથી લોકો આઈઆઈએફએ ૨૦૨૩ ઈવેન્ટને કવર કરવા માટે આવ્યા છે. આમાંથી એક નામ  એલેના ખલીફેહનું પણ છે.  એલેના ખલીફેહે સલમાનને કહ્યું- 'હું તમને આ સવાલ પૂછવા માટે હોલિવૂડથી આવી છું. જ્યારથી મેં તમને જોયો છે ત્યારથી હું તમારા પ્રેમમાં પડી ગઈ છું. જેના જવાબમાં સલમાને કહ્યું - 'તમે શાહરૃખ ખાનની વાત કરી રહ્યા છો ને?' એલેના આગળ કહે છે, 'હું સલમાન ખાનની વાત કરું છું, શું તમે મારી સાથે લગ્ન કરશો?' આના પર સલમાન કહે છે, 'મારા લગ્નના દિવસો જતા રહ્યા.' સલમાનનો આ જવાબ સાંભળીને એલેનાએ તેનું કારણ પૂછ્યું તો સલમાને કહ્યું - 'તમારે મને ૨૦ વર્ષ પહેલા મળવું જોઈતું હતું.' સલમાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

એલેના ખલીફેહ સલમાનને લગ્ન માટે પ્રપોઝ કર્યા બાદથી ચર્ચામાં આવી છે. એલેના ખલીફેહ એક ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર છે અને સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. એલેના ખલીફેહના ઇન્સ્ટાગ્રામ પર 90.3K ફોલોઅર્સ છે. એલેના ઘણીવાર તેના ગ્લેમરસ ફોટોસ અને વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી હોય છે. એલેના એકે ચેટ્સ નામનો શો પણ ચલાવે છે. આ સાથે તે ફેમ માસ્ટરક્લાસ ડોટ કોમ સાથે પણ કામ કરે છે.

(7:32 pm IST)