Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

હરિયાણાના મુખ્યમંત્રીને લોકોએ ઘેરી લીધા હતા, માગ પુરી કરાવી

ગામને પેટા તાલુકાનો દરજ્જો આપવાની માગ : સીમહા ગામને પેટા તાલુકાનો દરજ્જો આપવાની જાહેરાત કરાતા ગામજનો વિફર્યા હતા અને નેતાઓને ઘેરી લીધા

ચંદિગઢ, તા.૨૭ : હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે મહેન્દ્રગઢમાં ત્રણ દિવસીય જાહેર સંવાદ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. શુક્રવારે જનસંવાદનો છેલ્લો કાર્યક્રમ સીમાહા ગામમાં યોજાયો હતો. આ દરમિયાન ત્યાં હાજર લોકોએ ગામને પેટા તાલુકાનો દરજ્જો આપવાની માંગ કરી, ત્યારબાદ સીએમએ કાર્યક્રમ બાદ પ્રેસ કોન્ફરન્સ કરી અને સીમહા ગામને પેટા તાલુકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી.

આ કાર્યક્રમ બાદ મુખ્યમંત્રીએ ડોંગડા ગામે રાત્રિ રોકાણ કરવાની ફરજ પડી હતી. રાજ્યના મુખ્યમંત્રી ગામમાં આવી રહ્યા હોવાથી ગામને કંઈક સારું મળશે તેવી ગ્રામજનોને આશા હતી. પરંતુ જેવી જ ગામના લોકોને ખબર પડી કે સીમહા ગામને પેટા તાલુકાનો દરજ્જો આપી દીધો છે તો તેમણે મુખ્યમંત્રીના સ્વાગતનો જ બહિષ્કાર કરીદીધો અને રાતે જ મુખ્યમંત્રી વિરુદ્ધ જોરદાર નારેબાજી શરૃ કરી. આખું ગામ મહિલાઓ અને બાળકો સાથે એ ઘરની સામે એકઠું થઈ ગયું જ્યાં સીએમ રોકાયા હતા. નારેબાજી કરનારા લોકોને પોલીસે પણ સમજાવવા પ્રયાસ કર્યો પણ તે ન માન્યા.  આ દરમિયાન અટેલીના ધારાસભ્ય સીતારામ ત્યાં પહોંચ્યા અને લોકો સાથે વાત કરવા લાગ્યા, પરંતુ ગ્રામજનોએ ધારાસભ્યને પણ આડે હાથ લીધા અને તેમની વિરુદ્ધ નારા લગાવવા લાગ્યા. બીજી તરફ પૂર્વ શિક્ષણ મંત્રી રામવિલાસ શર્મા આવ્યા ત્યારે તેમની વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કર્યા હતા. થોડી જ વારમાં રાતથી સવાર સુધી પરિસ્થિતિ તંગ બની ગઈ હતી અને આખું ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. ગ્રામજનોએ સ્થાનિક ધારાસભ્યનો પણ પીછો કર્યો અને મુખ્યમંત્રી જ્યાં રોકાયા હતા તે ઘરને ઘેરી લીધું.

એક જ ગામમાં તંગદિલીનું વાતાવરણ જોઈને રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ, સીઆઈડી વિભાગના ડીજીપી સહિત અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચવા લાગ્યા હતા. મુખ્યમંત્રીની સુરક્ષામાં કોઈ ક્ષતિ ન રહે તે માટે વધારાની પોલીસ ફોર્સ પણ સ્થળ પર તૈનાત કરવામાં આવી હતી. મામલો વણસતો જોઈને મુખ્યમંત્રીએ ગામના કેટલાક લોકોને વાત કરવા અંદર બોલાવ્યા. લાંબી વાતચીત બાદ આખરે મુખ્યમંત્રીએ ખાતરી આપી કે તેઓ પરિસ્થિતિથી વાકેફ નથી. પોતાની જાહેરાતમાં ફેરફાર કરતાં તેમણે કહ્યું કે હવે પછીની મુલાકાત અટેલી મંડી એસેમ્બલીની હશે, ત્યારબાદ સર્વે કરીને યોગ્ય જગ્યાને પેટા તાલુકો બનાવવામાં આવશે. આ પછી ગ્રામજનોએ મુખ્યમંત્રીને તેમના આગલા સ્થળે જવાની મંજૂરી આપી હતી.

(7:34 pm IST)