Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

મધ્યપ્રદેશના શ્યોપુરમાં કુનો નેશનલ પાર્ક નજીક ચિત્તાને ટ્રેક કરતી વન વિભાગની ટીમ પર ગ્રામજનોનો કથિત હુમલો : ચાર ઘાયલ

બેહટા અને બુરાખેડી ગામ પાસે ઘટના : ગામલોકોએ તેમને ચોર અને ડાકુઓ સમજ્યા હતા: પોહરી પોલીસ સ્ટેશનમાં 15 અજાણ્યા લોકો સામે ફરિયાદ

મધ્યપ્રદેશના શ્યોપુરમાં કુનો નેશનલ પાર્ક નજીક ચિત્તાને ટ્રેક કરી રહેલી વન વિભાગની ટીમ પર ગ્રામજનોએ કથિત રીતે હુમલો કર્યો હતો, જેમાં ચાર વનકર્મીઓને ઈજા થઈ હતી, તેમને ચોર અને ડાકુઓ સમજ્યા હતા. આ મામલે પોહરી પોલીસ સ્ટેશનમાં 15 અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઘટના શુક્રવારે બેહટા અને બુરાખેડી ગામ પાસે બની હતી. માદા ચિતા આશાને ટ્રેક કરતા વનકર્મીઓની ટીમ આ વિસ્તારમાં પહોંચી હતી. ચિત્તા તેના ઘેરામાંથી ભાગી ગયો હતો ત્યારબાદ વન અધિકારીઓ તેને શોધવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

  ટીમને જોઈને ગ્રામજનોને લાગ્યું કે આ લોકો લૂંટના ઈરાદે આવ્યા છે. ગ્રામજનો પર પથ્થરમારો કરવાનો પણ આરોપ છે. વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે ગામલોકોએ ચાર કર્મચારીઓને પકડી લીધા હતા અને તેમની સાથે મારપીટ પણ કરી હતી. આ ઘટનામાં કોઈને ગંભીર ઈજા થઈ નથી. અધિકારીઓનું કહેવું છે કે વન વિભાગના એક વાહનમાં પણ તોડફોડ કરવામાં આવી છે. મધ્યપ્રદેશનો કુનો નેશનલ પાર્ક છેલ્લા કેટલાક સમયથી ચિત્તાઓના મોતને કારણે ચર્ચામાં છે. છેલ્લા કેટલાક મહિનામાં ત્રણ ચિત્તા અને ત્રણ બચ્ચા મૃત્યુ પામ્યા છે.

(9:13 pm IST)