Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

દિલ્હી યુનિવર્સિટીના અભ્યાસક્રમમાંથી ‘અલ્લામા ઈકબાલ’ને હટાવી દેવાયા :ગાંધીજીની તુલનામાં સાવરકરને મહત્વ અપાયું

વિનાયક દામોદર સાવરકરનું એક આખું પેપર અભ્યાસક્રમમાં સામેલ: એલજીબીટી અભ્યાસક્રમમાં પણ સુધારા: એબીવીપીએ આભાર વ્યક્ત કર્યો

નવી દિલ્હી :દિલ્હી યુનિવર્સિટીની એકેડમીક કાઉન્સિલની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.  અવિભાજિત ભારતના પ્રસિદ્ધ કવિ અને સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા ના લેખક મોહમ્મદ અલ્લામા ઈકબાલને પોલિટિકલ સાયન્સના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાંથી હટાવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત બેઠકમાં અન્ય ઘણાં મોટા નિર્ણયો લેવાયા હતા.  

આ ઉપરાંત વિનાયક દામોદર સાવરકરનું એક આખું પેપર અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યું છે. તે ચોથા સેમેસ્ટરમાં ભણાવવામાં આવશે. જોકે પહેલા સાવરકર વિશે છઠ્ઠા સેમેસ્ટરમાં ભણાવવામાં આવતું હતું. પરંતુ તેમાં માત્ર એક જ ચેપ્ટર સામેલ હતું. આ ઉપરાંત સાતમા સેમેસ્ટરમાં મહાત્મા ગાંધી પર એક પેપર રાખવામાં આવ્યું છે. પહેલા ગાંધીજી વિશે ચોથા સેમેસ્ટરમાં ભણાવવામાં આવતું હતું. દિલ્હી યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં લેવાયેલા નિર્ણયોનો ઘણાં સભ્યોએ વિરોધ પણ કર્યો છે.

 

આ ઉપરાંત સ્નાતક કક્ષામાં ભણાવવામાં આવતા એલજીબીટી અભ્યાસક્રમમાં પણ સુધારા કરવામાં આવ્યા છે. એજન્ડાના અંતમાં આઠ કોલેજોમાં ભણાવવામાં આવતા BLED પ્રોગ્રામને ITEP માં બદલવાનો પ્રસ્તાવ હતો. શિક્ષકો તેનો સતત વિરોધ કરી રહ્યા છે. શુક્રવારે દિલ્હી યુનિવર્સિટીમાં આઇટીઇપી ITEPના વિરોધમાં વિદ્યાર્થીઓએ દેખાવો કર્યા હતા.

 

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ – એબીવીપીએ દિલ્હી યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સના અભ્યાસક્રમમાં મોહમ્મદ અલ્લામા ઈકબાલનું પેપર હટાવવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે. એક નિવેદનમાં કહેવાયું છે કે મોહમ્મદ ઈકબાલને પાકિસ્તાનના દર્શનશાસ્ત્રના જનક કહેવામાં આવે છે. મુસ્લિમ લીગની સ્થાપનામાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન હતું. મોહમ્મદ અલી ઝીણાની જેમ જ તેઓ પણ ભારતના વિભાજન માટે જવાબદાર છે

(10:25 pm IST)