Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

શરદ પવારે કહ્યું - સંસદભવનના નિર્માણ વખતે કેન્દ્ર સરકાર દ્વારા કોઈને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી

તેમણે કહ્યું- ‘હું ઘણા વર્ષોથી સંસદનો સભ્ય છું. પણ મને અખબારોમાંથી પણ આ ઈમારતના બાંધકામની માહિતી મળી

નવી દિલ્હી : આવતી કાલે 28 મેના રોજ દિલ્હીમાં નવા સંસદ ભવનનું ઉદ્દઘાટન થશે. આ પહેલા ઘણી વિપક્ષીય પાર્ટી નવા સંસદ ભવન મુદ્દે સરકારનો વિરોધ કરી રહી છે. આ જ વિરોધમાં સૂર પૂરવતા શરદ પવાર મોદી સરકાર પર વરસ્યા હતા. શરદ પવારે આ મુદ્દે પોતાના નિવેદનમાં કહ્યું કે, ‘હું ઘણા વર્ષોથી સંસદનો સભ્ય છું. પણ મને અખબારોમાંથી પણ આ ઈમારતના બાંધકામની માહિતી મળી. સંસદભવનના નિર્માણ વખતે અમને વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હતા. ભૂમિપૂજન સમયે પણ કોઈને વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હતા.

  શરદ પવારે વધુમાં કહ્યું, ‘મોદી સરકારે રાષ્ટ્રપતિ દ્રૌપદી દ્વારા નવા સંસદ ભવનનું ઉદ્દઘાટન કરવાની વિપક્ષની માગણી પણ સ્વીકારી ન હતી. એટલા માટે વિપક્ષે તેને સંબંધિત ઉદ્દઘાટન કાર્યક્રમનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો. હું પણ આ ભૂમિકાને સમર્થન આપું છું.

 21 વિરોધ પક્ષોએ સંસદના ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. આ પક્ષોમાં કોંગ્રેસ, ડીએમકે (દ્રવિડ મુનેત્ર કઝગમ), આપ, શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ), સમાજવાદી પાર્ટી, સીપીઆઈ, જેએમએમ, કેરળ કોંગ્રેસ, વિદુથલાઈ ચિરુથાઈગલ કાચી, આરએલડી, ટીએમસી, જેડીયુ, એનસીપી, સીપીઆઈ(એમ)નો સમાવેશ થાય છે. RJD, AIMIM, AIUDF (ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ), ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ, નેશનલ કોન્ફરન્સ, રિવોલ્યુશનરી સોશ્યલિસ્ટ પાર્ટી અને મારુમાલાર્ચી દ્રવિડ મુનેત્ર કઝગમ (MDMK).

વિપક્ષી દળોએ તેમના સંયુક્ત નિવેદનમાં કહ્યું છે- ‘રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સંપૂર્ણપણે સાઇડલાઇન કરીને નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાનો વડાપ્રધાન મોદીનો નિર્ણય માત્ર ઘોર અપમાન જ નહીં પરંતુ આપણી લોકશાહી પર સીધો હુમલો છે, જેનો યોગ્ય જવાબ મળવાની જરૂર છે. રાષ્ટ્રપતિ વિના સંસદ ચાલી શકતી નથી. છતાં વડાપ્રધાને તેમના વિના નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાનું નક્કી કર્યું છે. આ અયોગ્ય કૃત્ય રાષ્ટ્રપતિના ઉચ્ચ પદનું અપમાન કરે છે, તે દરેકને આદર સાથે લઈ જવાની ભાવનાને નબળી પાડે છે.

(12:14 am IST)