Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

ગુલાબ વાવાઝાડું ત્રાટકતાં આંધ્રમાં બે માછીમારનાં મોત

દરિયાકાંઠે વાવાઝોડું ૧૦૦ કિમીની ઝડપે ત્રાટક્યું : છ માછીમારો લાપતા હતા, બેનો બચાવ, એક લાપતા

નવી દિલ્હી, તા.૨૭ : ગુલાબ વાવાઝોડું ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકી ચૂક્યું છે અને વિસ્તારોમાં ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. જેના કારણે આંધ્ર પ્રદેશમાં માછીમારો લાપતા થયા હતા જેમાંથી બેનાં મોત નિપજ્યા છે, બેનો બચાવ થયો છે અને એક હજી લાપતા છે.

રવિવારે મોડી રાત્રે એક વાગ્યા આસપાસ વાવાઝોડું આંધ્રના કલિંગપટ્ટનમ અને ઓડિશના ગોપાલપુર વચ્ચેના વિસ્તારમાં પરથી પસાર થાય તેવી હવામાન વિભાગની આગાહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુલાબ વાવાઝોડા અંગે આજે ટ્વિટ કર્યુ છે કે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક અને આંધ્રના મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડી સાથે વાતચીત કરી કેન્દ્ર તરફથી મદદ સુનિશ્ચિત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આંધ્રના કલિંગપટ્ટનમ અને ઓડિશના ગોપાલપુર જિલ્લા વચ્ચેના દરિયાકાંઠાના વિસ્તાર પરથી વાવાઝોડું પ્રવેશ કરશે અને જમીન વિસ્તાર પર ત્રાટક્યા બાદ ૨૫ કિમીલોમીટર પ્રતિકલાકની પ્રારંભિક ઝડપતી આગળ વધશે.

આંધ્રપ્રદેશના મંડાસાના દરિયાકાંઠા નજીક દરિયામાં રહેલી બોટ વાવાઝોડાના કારણે પલટી જતાં તેમાં રહેલા પાંચ માછીમાર દરિયામાં પડયા હતા અને હજુ તેઓ લાપતા છે અને તેમની શોધખોળ ચાલી રહી છે. આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના કલેક્ટર સુમિત કુમારનું કહેવું છે આગામી કેટલાંક કલાકો દરિયાકાંઠાના વિસ્તારો માટે ખૂબ ગંભીર છે. અહીં ૯૦થી ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.

(7:57 pm IST)