Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

૪૦ વર્ષથી વધુ ઉંમરવાળી મહિલાઓ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી પ્રભાવિત

દિગ્વિજય સિંહ ફરી વિવાદિત નિવેદન કરી ચર્ચામાં :તેમનું નામ ૪૦ વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ અને જીન્સ પહેરતી છોકરીઓ સાથે જોડીને વિચિત્ર તર્ક રજૂ કર્યોનવી

દિલ્હી, તા.૨૬ : દેશમાં ચૂંટણીનો માહોલ જામે કે તેની સાથે નેતાઓના બફાટ અને અટપટા નિવેદનોની વણઝાર શરુ થઈ જતી હોય છે. પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહેતા કોંગ્રેસના નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ ફરી એકવાર વિવાદિન નિવેદન કરીને ચર્ચામાં આવ્યા છે. 'ગૌ' જ્ઞાન બાદ દિગ્વિજય સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લઈને વિવાદિત નિવેદન કરી નાખ્યું છે. દિગ્વિજય સિંહના નિવેદન બાદ ભાજપે વળતો જવાબ પણ આપ્યો છે.

એક કાર્યક્રમને સંબોધિત કરી રહેલા કોંગ્રેસ નેતા અને વિવાદિત નિવેદનબાજી માટે જાણીતા દિગ્વિજય સિંહે ભાજપ પર વાર કરવામાં વડાપ્રધાન મોદીનું નામ લઈ લીધું હતું. તેમણે વડાપ્રધાનનું નામ લઈને એક વિવાદિત નિવેદન કર્યું અને તેમનું નામ ૪૦ વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ અને જીન્સ પહેરતી છોકરીઓ સાથે જોડીને વિચિત્ર તર્ક રજૂ કરી દીધો છે.

તેમણે ભોપાલમાં કાર્યક્રમને સંબોધિત કરતી વખતે કહ્યું કે, *માત્ર ૪૦ અને ૫૦ વર્ષની મહિલાઓ છે તેઓ થોડા મોદીથી વધારે પ્રભાવિત છે. જુઓ જે છોકરીઓ જીન્સ પહેરે છે અને મોબાઈલ ફોન રાખે છે તેઓ એમનાથી પ્રભાવિત નથી. આ વિષય પર થોડી વાતચીત કરવાની જરુર છે. તેઓ જ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે.* આ નિવેદન પરથી એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે તેઓ આગામી લોકસભા ચૂંટણીમાં યુવાનોને કોંગ્રેસ તરફ આકર્ષિત કરવાના પ્રયાસો શરુ કરી દીધા છે.

દિગ્વિજય સિંહના વિચિત્ર તર્ક અને વિવાદિત નિવેદન પર ભાજપે પલટવાર કરીને કહ્યું છે કે તેમને સુધરી જવાની સલાહ આપી છે. રિપોર્ટ્સ મુજબ દિગ્વિજયે એવું પણ કહ્યું કે, વર્ષ ૨૦૨૪માં મોદી ફરી જીતી ગયા તો સૌથી પહેલા ભારતીય બંધારણ બદલવામાં આવશે. અનામતનો છેદ ઉડી જશે, જે મળી રહ્યું છે તે ખતમ થઈ જશે. દિગ્વિજય સિંહે આ પહેલા સાવરકર અને હિન્દુત્વ મુદ્દાને લઈને પણ ભાજપ પર નિશાન તાક્યું હતું.

નોંધનીય છે કે મધ્યપ્રદેશમાં ચૂંટણીઓ આવી રહી છે ત્યારે દેશમાં રાજકારણ ગરમાઈ રહ્યું છે. આવામાં રામ મંદિર સહિતના મુદ્દાને લઈને રાજ્યમાં ચર્ચા થઈ રહી છે. આ બધાની વચ્ચે ભાજપ, કોંગ્રેસ સહિતની સ્થાનિક અને રાષ્ટ્રીય રાજકીય પાર્ટીઓ એક્ટિવ થઈ ગઈ છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યમાં રાજકીય કાર્યક્રમોમાં પણ વધારો થઈ રહ્યો છે.

(12:00 am IST)