Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

GSTમાં વધારો... દેશભરના ટ્રેડર્સ કાનપુરમાં ભેગા થશે

૧ લી જાન્યુઆરીથી કાપડ-ફુટવેર પર બદલાઇ રહેલા જીએસટીના દર સામે નારાજગી : સ્વરાજ રથયાત્રા, વિરોધ પ્રદર્શન, સરઘસ જેવા કાર્યક્રમો નક્કી થશે : CAIT

નવી દિલ્હી,તા. ૨૭ : તા. ૧લી જાન્યુઆરી ૨૦૨૨થી કાપડ અને ફૂટવેર ક્ષેત્રમાં જીએસટીના નવા દર અમલમાં આવી રહ્યા છે. છેલ્લાં એક મહિનાથી સતત ચાલી રહેલી રજૂઆતો છતાં કોઈ નિરાકરણ નહીં આવતાં કૈટે(કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડસે) તા.૧૧-૧૨ જાન્યુઆરીએ રાષ્ટ્રીય વેપારી સંમેલનનું આયોજન કર્યું છે. જેમાં ભારત વેપાર સ્વરાજ રથયાત્રા, વિરોધ પ્રદર્શન, સરઘસ જેવા વિરોધના કાર્યક્રમો નક્કી કરવામાં આવશે.

દિવાળી પૂર્વે યોજાયેલી જીએસટી કાઉન્સિલમાં કાપડ-ફૂટવેર પર લાગતાં જીએસટીના ઈન્વર્ટેડ ડયુટી સ્ટ્રકચર(એક કરતાં વધુ જીએસટીના દર) દૂર કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો. તા.૧૮મી નવેમ્બરે સરકારી વિભાગના જાહેર થયેલા પરિપત્રમાં કાપડ અને ફૂટવેર પર પ ટકાની જગ્યાએ ૧ર ટકા જીએસટી તા.૧લી જાન્યુઆરી ર૦રરથી અમલવારી કરવા ફરમાન કરી દેવાયું હતું, છેલ્લાં એક મહિનાથી સુરત સહિત દેશના વિવિધ સંગઠનો સાથે કેન્દ્રીય કાપડ અને નાણાં મંત્રાલયને કાપડ પર જીએસટીના દર યથાવત રાખવા માટેની માંગણીઓ સંભવિત નુકસાનીના આંકડાઓ સાથે થઈ રહી. ૨૦૨૧ને પૂર્ણ થવામાં ગણતરીના પ દિવસ બાકી છે. ત્યારે હજુ સુધી સરકાર દ્વારા કાઉન્સિલની મિટીંગની જાહેરાત નહીં થતાં ઉદ્યોગ જગતમાં નારાજગી વ્યાપી છે. જેને પગલે કૈટ દ્વારા તા.૧૧-૧ ર જાન્યુઆરીના રોજ કાનપુર ખાતે વેપારીઓનું રાષ્ટ્રીય સંમેલન યોજવામાં આવ્યું છે.

કૈટના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવિણ ખંડેલવાલ કાર્યક્રમની જાહેરાત કરતાં પત્રમાં જણાવ્યું છે કે, તત્કાલિન નાણામંત્રી અરૂણ જેટલીના અવસાન પછી જીએસટી કાઉન્સિલે વેપારીઓની સલાહ સૂચન લેવાનું અને તેના આધારે નિર્ણય કરવાનું બંધ કરી દીધું છે. કાપડ-ફૂટવેર પર જીએસટીના દરમાં વધારો કરવાની દરખાસ્ત તેનો સીધો પુરાવો છે.દેશની ૮૫ ટકા વસ્તી ૧૦૦૦ રૂ. થી ઓછી કિંમતના કપડા-જૂતા ખરીદે છે. જેના પર હાલ પ ટકાનો જીએસટી છે, પરંતુ ૧લી જાન્યુઆરીથી જીએસટીનો દર ૧૨ ટકા થઈ જશે. જેની અસર સીધી ૮૫ ટકા વસ્તીને થશે. (૨૨.૧૦)

સરકારની અસ્પષ્ટ નીતિથી વેપારીઓ કંટાળી ગયા

દેશભરમાં સંઘર્ષ અભિયાન ચલાવવાની ફરજ પડી છે. તા.૧૧-૧૨ જાન્યુઆરીએ થનારા વેપારી સંમેલનમાં ભારત વેપાર સ્વરાજય રથયાત્રા, રાજય સ્તરીય વિરાટ ટ્રેડર્સ કોન્ફરન્સ, દેશભરના બજારોમાં વિરોધ પ્રદર્શન, સરઘસ, મશાલ સરઘસ, ધરણા સહિતના કાર્યક્રમોને આખરી ઓપ આપવામાં આવશે.

-પ્રમોદ ભગત,ગુજરાત ચેપ્ટર પ્રેસિડેન્ટ,કૈટ

૨૮મી ડિસેમ્બરે ટેકસટાઈલ યુવા બ્રિગેડનો સદ્દબુદ્ઘિ હવન

કેન્દ્ર સરકારમાં રજૂઆત બાદ યોગ્ય ઉકેલની ખાતરી આપવામાં આવી છતાં હજુ સુધી કોઈ પગલાં નહીં લેવાતાં સુરતના કાપડ વેપારીઓમાં નારાજગી વ્યાપી છે. ૨૦૧૭ની માફક ફરીથી ટેકસટાઇલ યુવા બિગ્રેડ દ્વારા વિરોધના કાર્યક્રમો જાહેર કરાયા છે. જેમાં તા.ર૮મી ડિસેમ્બરે સારોલી સ્થિત રાધારમણ માર્કેટ ખાતે સદ્બૃદ્ઘિ યજ્ઞનું આયોજન કરાયું છે. આ અંગે સંસ્થાના પ્રમુખ લલિત શર્મા જણાવે છે કે, વેપારીઓના હિતમાં નિર્ણય નહીં થાય તો વેપાર ભાંગી પડશે. રાજય અને કેન્દ્ર સરકાર સામે આગ્રહ છે કે કાપડ પર જીએસટીના દર મુદ્દે ફરી વિચારણા કરે, તેના માટે અમે સદબુદ્ઘિ યજ્ઞનું આયોજન કર્યું છે. કોવિડની ગાઈડલાઈનનું પાલન કરીને ૫૦ થી ૧૦૦ વેપારીઓની હાજરીમાં કાર્યક્રમ પાર પાડવામાં આવશે.

(10:02 am IST)