Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

સ્થાનિક ઉત્પાદકોને બચાવવા માટે કેન્દ્ર સરકારે નિર્ણય લીધો

પાંચ ચીની ઉત્પાદનો પર પાંચ વર્ષ સુધી લગાડાઇ એન્ટીડમ્પિંગ ડ્યુટી

નવી દિલ્હી,તા.૨૭: કેન્દ્ર સરકારે ચોક્કસ પ્રકારના એલ્યુમિનિયમમાંથી બનાવેલી ચીજવસ્તુઓ તથા કેટલાક રસાયણો સહિત પાંચ ચાઈનીઝ ઉત્પાદનો પર પાંચ વર્ષ માટે એન્ટીડમ્પિંગ જકાત નાખી છે. પડોશી દેશ ચીનમાંથી કરાતી સસ્તા દરની આયાતોના મારથી સ્થાનિક ઉત્પાદકોને બચાવવા માટે કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેકટ ટેકસીસ એન્ડ કસ્ટમ્સ વિભાગે બહાર પાડેલા નોટિફિકેશન મુજબ, ચીની બનાવટની આ પાંચ પ્રોડકટ્સ પર એન્ટીડમ્પિંગ ડ્યૂટી લાદવામાં આવી છેઃ ચોક્કસ ફ્લેટ રોલ્ડ એલ્યુમિનિયમ ઉત્પાદનો, સોડિયમ હાઈડ્રોસલ્ફાઈટ (જે ડાઈ ઉદ્યોગમાં વપરાય છે), સિલિકોન સીલન્ટ (જે સોલર ફોટોવોલ્ટેક મોડ્યુલ્સ અને થર્મલ પાવર એપ્લિકેશન્સના ઉત્પાદનમાં વપરાય છે), હાઈડ્રોફ્લોરોકાર્બન (એચએફસી)નો ઘટક R-32 અને હાઈડ્રોફ્લોરોકાર્બન બ્લેન્ડ્સ (બંનેનો ઉપયોગ રેફ્રિજરેશન ઉદ્યોગમાં કરાય છે).

તપાસમાં માલૂમ પડ્યું છે કે ચીનમાંથી ચીજવસ્તુઓની આયાત સ્થાનિક બજારમાં પ્રવર્તતી વેચાણ કિંમત કરતાંય ઓછી કિંમતે ભારતમાં લવાય છે. આ રીતે દેશમાં ડમ્પ કરાતી આયાતને કારણે સ્થાનિક ઉદ્યોગને નુકસાન જાય છે. આંતરરાષ્ટ્રીય વેપારની ભાષામાં જયારે કોઈ દેશ કે કંપની સ્થાનિક બજારમાં કોઈ પ્રોડકટની કિંમત કરતાંય ઓછી કિંમતે જયારે એની નિકાસ કરે છે ત્યારે એને ડમ્પિંગ કહેવામાં આવે છે. ડમ્પિંગથી આયાત કરનાર દેશમાં તે પ્રોડકટની કિંમત પર માઠી અસર પડે છે. સ્થાનિક ઉત્પાદકોના માર્જિન અને નફા પર માઠી અસર પડે છે. એન્ટી-ડમ્પિંગ ડ્યૂટી એક સંરક્ષણવાદી ટેકસ છે, જે સ્થાનિક સરકાર વિદેશી આયાત પર લગાવે છે. ઘણા દેશોની સરકારો સ્થાનિક ઉત્પાદકોની સુરક્ષા ખાતર દેશની બજારોમાં ડમ્પ કરાતા વિદેશી ઉત્પાદનો પર મોટી રકમની ડ્યૂટી લાદે છે.

(10:06 am IST)