Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

છત્તીસગઢ - તેલંગાણા સરહદે ૬ નકસલીઓ ઠાર

સુરક્ષા દળો અને નકસલીઓ વચ્ચે અથડામણ : સર્ચ ઓપરેશન શરૂ

સુકમા તા. ૨૭ : સોમવારે વહેલી સવારે તેલંગાણાના ભદ્રાદ્રી કોઠાગુડેમ જિલ્લાના પેસાલાપાડુ જંગલ વિસ્તારમાં સુરક્ષા દળો સાથેની ગોળીબારમાં ચાર મહિલાઓ સહિત ઓછામાં ઓછા છ માઓવાદીઓ માર્યા ગયા હતા. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. ભદ્રાદ્રી કોઠાગુડેમના એસપી સુનિલ દત્તે જણાવ્યું હતું કે તેલંગાણાના તેલંગાણા ગ્રેહાઉન્ડ દળો અને નકસલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. એસપીએ જણાવ્યું કે તેલંગાણા અને છત્તીસગઢના સરહદી વિસ્તારમાં કિસ્તારામ પીએસ બોર્ડરના જંગલ વિસ્તારમાં થયેલા એન્કાઉન્ટરમાં ૬ નકસલવાદીઓ માર્યા ગયા. ઓપરેશન હજુ ચાલુ છે,

જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના સવારે ૬.૩૦ થી સાત વાગ્યાની આસપાસ બની હતી. તેમણે કહ્યું કે તેમને માહિતી મળી હતી કે માઓવાદીઓ સુરક્ષા દળો પર હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. તેલંગાણાના ગ્રેહાઉન્ડ ફોર્સ દ્વારા આંતરરાજય સંયુકત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. છત્તીસગઢના DRG અને CRPF દળો દ્વારા સહાય પૂરી પાડવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે માઓવાદીઓ ચેરલા એરિયા કમિટીના છે અને મૃતકોમાં એક વરિષ્ઠ નેતા પણ હોઈ શકે છે.

એસપીએ કહ્યું કે તેમને પેસલપાડુ વિસ્તારમાં માઓવાદીઓના એક જૂથ વિશે માહિતી મળી હતી. અંગ્રેજી અખબાર ધ ઈન્ડિયન એકસપ્રેસ અનુસાર, SPએ કહ્યું, 'માહિતી મળી હતી કે તેઓ પોલીસ પર હુમલો કરવા માટે IED તૈયાર કરી રહ્યા હતા. છત્ત્।ીસગઢ અને તેલંગાણા ગ્રેહાઉન્ડ્સ દ્વારા સંયુકત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને માઓવાદીઓના જૂથ સાથેની અથડામણ સવારે ૬.૩૦ થી ૭ વાગ્યાની વચ્ચે થઈ હતી. ઓછામાં ઓછા છ માઓવાદીઓ માર્યા ગયા છે. તેની ઓળખ હજુ આવવાની બાકી છે.'

રિપોર્ટ અનુસાર, બસ્તરના આઈજી પી સુંદરરાજે કહ્યું કે ચોક્કસ બાતમીના આધારે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. મુખ્ય કાર્યવાહી તેલંગાણા દળો દ્વારા કરવામાં આવી હતી. અમારા CRPF અને DRGના જવાનોએ કિસ્તારામ વિસ્તારમાં મદદ કરી.

સુકમા જિલ્લાના પોલીસ અધિક્ષક સુનીલ શર્માએ એન્કાઉન્ટરને એક મોટી સફળતા ગણાવી હતી અને દાવો કર્યો હતો કે તેણે નકસલવાદીઓની 'કિસ્તારામ એરિયા કમિટી'ને મોટો ફટકો આપ્યો છે, જેણે આ વિસ્તારમાં અનેક નકસલ ઘટનાઓને અંજામ આપ્યો છે. શર્માએ જણાવ્યું કે સુકમા જિલ્લામાં નકસલવાદીઓની પાંચ 'એરિયા કમિટી' સક્રિય છે. છેલ્લા છ મહિના દરમિયાન, સુરક્ષા દળોએ અસરકારક રીતે કેરલાપાલ અને કોન્ટા એરિયા કમિટીઓ પર અંકુશ લગાવ્યો છે.

શર્માએ જણાવ્યું કે જિલ્લામાં સક્રિય 'કિસ્તારામ એરિયા કમિટી' મોટા પ્રમાણમાં ખતમ થઈ ગઈ છે. હવે આગળનું લક્ષ્ય બે અન્ય કાટેકલ્યાણ અને જાગરગુંડા સમિતિઓને નિષ્ક્રિય કરવાનું રહેશે. તેમણે કહ્યું કે આ વિસ્તારમાં નકસલવાદીઓ વિરૂદ્ઘ ઓપરેશન ચાલી રહ્યું છે.

(3:39 pm IST)