Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

યુપીમાં પેસેન્જર ટ્રેનમાં આગ લાગતા લોકો ચાલુ ગાડીએ કુદયા:કેટલાક મુસાફરોને ઇજા

કાસગંજથી ફારૃખાબાદ જતી ટ્રેન ફારૂખાબાદથી ત્રણ કિલોમીટર દૂર હતી ત્યારે ટ્રેનના એક ડબ્બામાં આગ લાગી

ઉત્તર પ્રદેશના ફારૂખાબાદ નજીક પેસેન્જર ટ્રેનમાં આગ લાગતા લોકો ચાલુ ગાડીએ કૂદી પડયા હતા. ત્રણ કલાક સુધી ઝઝૂમ્યા પછી ફાયર ફાઈટર્સે આગને કાબૂમાં લીધી હતી. કેટલાક મુસાફરોને ઈજા થયાના અહેવાલો છે. જોકે, સદ્ભાગ્યે જાનહાનિ થઈ ન હતી. એ જ રીતે બિહારના ગયાના રેલવે સ્ટેશને પણ ટ્રેનને આગ લાગી હતી.

રેલવે અધિકારીઓના કહેવા પ્રમાણે ફારૂખાબાદ જિલ્લાના કાસગંજથી પેસેન્જર ટ્રેન નીકળી હતી.

કાસગંજથી ફારૃખાબાદ જઈ રહેલી ટ્રેન ફારૂખાબાદથી ત્રણ કિલોમીટર દૂર હતી એ વખતે ટ્રેનના એક ડબ્બામાં આગ લાગી હતી. એના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આગ લાગ્યા પછી ભયના માર્યા મુસાફરો ચાલુ ટ્રેને કૂદવા માંડયા હતા. ટ્રેનને હથિયાપુર ગામ નજીક રોકી દેવાઈ હતી. મુસાફરો કૂદી પડયા હતા તેમને ઈજા પહોંચ્યાના અહેવાલો હતા. સદ્નસીબે આગમાં જાનહાનિ થઈ ન હતી.
રેલવે અધિકારી વીરેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે રાત્રે ૧૧.૪૫ આસપાસ આગ લાગ્યાની જાણકારી મળી હતી. એ પછી તુરંત એ ડબ્બાને અલગ કરી દેવામાં આવ્યો હતો અને ફાયર ફાઈટર્સની ત્રણેક કલાકની જહેમત પછી આગ કાબૂમાં આવી હતી. એક સિવાયના બાકીના નવ ડબ્બાને અન્ય એક ટ્રેનમાં જોડીને રવાના કરાયા હતા. આગના કારણે રેલવે લાઈન થોડી કલાકો માટે બંધ રહી હતી. તેથી અન્ય ટ્રેનો પણ રોકી રાખવી પડી હતી.
એ જ રીતે બિહારના ગયા રેલવે સ્ટેશનમાં ઉભી રહેલી એક ટ્રેનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. પ્લેટફોર્મ પર ઉભેલી ટ્રેનમાં આગ લાગ્યાનું જણાયું હતું. એ પછી તુરંત ફાયર ફાઈટર્સે આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે, એ વખતે પ્લેટફોર્મમાં અન્ય ટ્રેનોની રાહ જોઈ રહેલા મુસાફરોમાં ભયના કારણે અફરાતફરી ફેલાઈ ગઈ હતી. મુસાફરોએ ભાગદોડ કરી હતી. આગમાં સ્લીપર કોચ બળીને ખાક થઈ ગયો હતો.
બંને ઘટનામાં આગના કારણોની તપાસ શરૃ કરવામાં આવી હતી. રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે શોર્ટ સર્કિટથી આગ લાગ્યાની વિશેષ શક્યતા છે. તેમ છતાં તપાસ પછી જ ખરા કારણની જાણ થશે.

(1:06 am IST)