Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

ભારતમાં કર્મચારીઓની સુરક્ષાને લઈ ટ્વિટર ચિંતિત

કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટૂલકિટ વિવાદ : ભાજપ પ્રવક્તાની ટ્વિટને મેનિપ્યુલેટેડ ટેગ આપ્યા બાદ દિલ્હી પોલીસ તપાસ માટે ટ્વિટરની ઓફિસે પહોંચી

નવી દિલ્હી, તા. ૨૭ : કોંગ્રેસ અને ભાજપ વચ્ચે છેડાયેલા ટૂલકિટ વિવાદને લઇને દિલ્હી પોલીસ ટ્વિટરની ઓફિસે પહોંચી હતી. તે બાદ હવે ટ્વિટરે કહ્યું છે કે, તે ભારતમાં પોતાના કર્મચારીઓની સુરક્ષા લઇને ચિંતિત છે. ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાની ટ્વિટને મેનિપ્યુલેટેડ ટેગ આપ્યા બાદ દિલ્હી પોલીસ તપાસ માટે ટ્વિટરની ઓફિસે ગઇ હતી.

દિલ્હી સ્થિત ટ્વિટરની ઓફિસે રેડનો ઉલ્લેખ કરતાં સોશિયલ મીડિયા કંપનીના પ્રવક્તાએ કહ્યું કે, હાલ અમે અમારા કર્મચારીઓને લઇને હાલમાં જ ભારતમાં બનેલી ઘટનાઓને લઇને ચિંતિત છીએ. ઉપરાંત અભિવ્યક્તિની આઝાદી સામે ખતરાની જે આશંકા પેદા થઇ છે તેને લઇને પણ ચિંતિત છીએ. જેની માટે અમે કામ કરતાં રહ્યાં છે.

ગયા સોમવારે દિલ્હી પોલીસ ટ્વિટરની ઓફિસે ગઇ હતી. દિલ્હી પોલીસ, સંબિત પાત્રાની ટ્વિટને મેનિપ્યુલેટેડ ટેગ આપવાને લઇને ચાલી રહેલી તપાસ દરમિયાન ટ્વિટર ઇન્ડિયાના હેડને નોટિસ આપવા ગઇ હતી.

સંબિત પાત્રાએ એક ટૂલકિટ શેર કરી હતી અને કહ્યું હતું કે કોંગ્રેસે આ ટૂલકિટ બનાવી છે, જેના દ્વારા મોદી સરકારને બદનામ કરવાનું કામ થઇ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધી કોરોનાને લઇને જે પણ ટ્વિટ કરે છે, તે જે અંદાજમાં પીએમ મોદી પર પ્રહાર કરે છે, તે બધું કોંગ્રેસની ટૂલકિટનો ભાગ છે.

તેની સામે કાર્યવાહી કરતાં કોંગ્રેસે ટ્વિટરને આ અંગે ફરિયાદ કરી હતી અને દસ્તાવેજને નકલી ગણાવ્યા હતા. જે બાદ ટ્વિટરે કેટલીક પોસ્ટ્સને મેનિપ્યુલેટેડ મીડિયાનો ટેગ આપ્યો હતો.

(12:00 am IST)