Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

સાફ દેખાતી ગંગા વારાણસીમાં લીલા રંગમાં ફેરવાઈ ગઈ

કોરોનાકાળમાં અનેક જગ્યાએ પ્રદૂષણ ઘટ્યું હતું : ગંગા નદીમાં લીલી શેવાળનો પ્રકોપ છે જે ખૂબ જ ઝેરીલી હોય છે, જેનાથી ગંગા નદીનું પાણી પીવા લાયક ન જ રહ્યું

નવી દિલ્હી, તા. ૨૭ : કોરોનાકાળમાં પાછલા લોકડાઉન વખતે દેશમાં અનેક જગ્યાએથી પ્રદૂષણ ઘટ્યાના સમાચાર સામે આવ્યા હતા. આ વખતે પણ થોડા સમય પહેલા જ સહરાનપુરથી હિમાલયની ચોટીઓ જોવા મળી હતી. પરંતુ લોકડાઉન છતાં ભારતની સૌથી શુદ્ધ અને પવિત્ર નદી ગંગા પર તેની વિપરિત અસર જોવા મળી રહી છે.

ખાસ કરીને વારાણસીમાં. વારાણસી ખાતે ગંગા નદીએ પોતાનો રંગ બદલી દીધો છે. સામાન્ય રીતે સાફ દેખાતી ગંગા વારાણસીમાં લીલા રંગમાં ફેરવાઈ ચુકી છે. ગંગામાં એક ઝેરીલો પદાર્થ મળી ગયો છે જેના વિશે જાણવું રસપ્રદ બની રહેશે.

વારાણસીના ૧-૨ ઘાટ નહીં પણ ૮૪ ઘાટોમાંથી મોટા ભાગના ઘાટ પર ગંગાનું પાણી લીલું થઈ ગયું છે. વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે આ લીલી શેવાળનો પ્રકોપ છે જે ખૂબ જ ઝેરીલી હોય છે. વૈજ્ઞાનિકોએ ગંગાનું પાણી હાલ પીવા કે અન્ય કામ માટે ઉપયોગને લાયક ન રહ્યું હોવાની ચેતવણી પણ આપી હતી. તેમના કહેવા પ્રમાણે જો આ પાણીનો ઉપયોગ કરવામાં આવે તો મગજ કે લોહી સંબંધી મુશ્કેલી સર્જાઈ શકે છે કારણ કે તેમાંથી માઈક્રોસિસ્ટિસ નામના સાઈનોબેક્ટેરિયા મળી આવ્યા છે. વૈજ્ઞાનિકોએ ગંગામાં અચાનક પ્રદૂષણ વધ્યું તે અંગે તપાસની માંગણી પણ કરી છે.

ગંગાના પાણીના બદલાઈ રહેલા રંગના કારણે વારાણસીના લોકો ચિંતામાં મુકાઈ ગયા છે. સાથે જ પાણીનો રંગ શા માટે બદલાઈ ગયો તે જાણવા માટે તેઓ ઉત્સુક પણ છે. વારાણસીના પાકા ઘાટો જ નહીં, બીજી બાજુ પણ ગંગા લીલી થઈ ગઈ છે.

એક નાવિકના કહેવા પ્રમાણે આવો લીલો રંગ હંમેશા નથી દેખાતો પરંતુ વરસાદના મોસમમાં તળાવના ઉલટા પ્રવાહના કારણે તેનો કીચડ ગંગામાં આવી જાય છે. પરંતુ આ વખતે જે હદનું પ્રમાણ દેખાય છે તેટલું પહેલા કદી નહોતું જોવા મળ્યું. પહેલા ૨-૪ ઘાટ પર જ જોવા મળતું પરંતુ આ વખતે લીલા શેતાને તમામ ઘાટ પર કબજો જમાવ્યો છે. તેમાંથી ભયંકર દુર્ગંધ પણ આવી રહી છે જેથી લોકો પરેશાન છે. 

(12:00 am IST)