Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

ભારતમાં કેવા પ્રકારના નિયમો અને કાયદાની રૂપરેખા હોવી જોઈએ, તે ટ્વીટર ના નક્કી કરી શકે: કેન્દ્ર સરકાર

ટ્વીટર ફ્રી સ્પીચને લઈને ઉહાપોહ મચાવે છે પરંતુ ભારતમાં વાણી સ્વાતંત્ર્ય અને લોકતાંત્રિક પ્રથાઓની સદીઓ જૂની ગૌરવશાળી પરંપરા: ભારતમાં અભિવ્યક્તિની આઝાદીની રક્ષા કરવી માત્ર ટ્વીટર જેવી ખાનગી વિદેશી કંપનીનો અધિકાર નથી

નવી દિલ્હી: નવા ડિજિટલ નિયમોને લઈને હવે સરકાર અને ટ્વીટર (Twitter) સામ-સામે આવી ગયા છે. અગાઉ ટ્વીટરે સરકારને નવા ડિજિટલ નિયમો અને પોતાની ઓફિસમાં પોલીસના સર્ચ પર સરકારને ઘેરી હતી. હવે સરકારે પ્રેસ રિલીઝ જાહેર કરીને ટ્વીટરના નિવેદનને દુર્ભાગ્યપૂર્ણ અને ભારતને બદનામ કરવાનું ષડયંત્ર ગણાવ્યું છે.

કેન્દ્રીય મંત્રાલયના હેન્ડલ પર કૂ એપથી પ્રેસ રિલીઝ જારી કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ટ્વીટનનું આ નિવેદન વિશ્વના સૌથી મોટા લોકતંત્ર પર પોતાની શરતો થોપવાનો પ્રયત્ન છે. ટ્વીટર સરકારના નિયમો માનવાનો ઈનકાર કરી રહ્યું છે. ભારતમાં વાણી સ્વાતંત્ર્ય અને લોકતાંત્રિક પ્રથાઓની સદીઓ જૂની ગૌરવશાળી પરંપરા રહી છે.

ભારતમાં અભિવ્યક્તિની આઝાદીની રક્ષા કરવી માત્ર ટ્વીટર (Twitter) જેવી ખાનગી વિદેશી કંપનીનો અધિકાર નથી. ટ્વીટર ફ્રી સ્પીચને લઈને ઉહાપોહ મચાવે છે, પરંતુ તેને લઈને તેના જ ઉદાહરણોથી ઘણું બધુ સમજી શકાય છે.

સરકારે કહ્યું કે, ટ્વીટર પર ફેક અને ખોટા કન્ટેન્ટ શેર કરવામાં આવે છે, જે ભારત વિરુદ્ધ હોય છે. ટ્વીટરને આ સવાલ કરવામાં આવ્યો કે, કંપની તેના પર એક્શન કેમ નથી લેતી?

 

ટ્વીટર વિશે પોતાના સ્ટેટમેન્ટમાં સરકારે લદ્દાખનો પણ ઉલ્લેખ કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ભારત-ચીન સરહદ વિવાદ સમયે ટ્વીટરે લદ્દાખને ચીનનો હિસ્સો દર્શાવ્યું હતું. જેને હટાવવાનું કહેવા છતાં ટ્વીટરે લાંબો સમય લીધો હતો.

ટ્વીટર એકમાત્ર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. જે ભારતમાં કેવા પ્રકારના નિયમો અને કાયદાની રૂપરેખા હોવી જોઈએ, તે ટ્વીટર ના નક્કી કરી શકે.
સરકાર સ્પષ્ટ કરવા માંગે છે કે, ટ્વીટર સહિત સોશિયલ મીડિયા કંપનીઓના કર્મચારી ભારતમાં કાયમ સુરક્ષિત છે અને રહેશે. તેમની વ્યક્તિગત સુરક્ષા પર કોઈ ખતરો નથી. સરકાર ટ્વીટરના દુર્ભાગ્યપૂર્વ નિવેદનને પાયાવિહોણું, ખોટું અને ભારતને બદનામ કરવાની કોશિશની નિંદા કરે છે.

(9:26 am IST)