Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

કેન્દ્રએ કોરોનાની દેશવ્યાપી ગાઈડલાઈન 30 જૂન સુધી લંબાવી :રાજ્યોને પ્રતિબંધોનું કડક પાલનનો આદેશ

જિલ્લામાં કોરોનાના સૌથી વધારે કેસો છે ત્યાં સ્થાનિક સ્તર પર પ્રતિબંધો ચાલુ રાખવા તાકીદ

 

નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કોરોનાની ગાઈડલાઈન 30 સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. ગૃહ મંત્રાલયે રાજ્યોને આદેશ આપ્યો છે કે જે જિલ્લામાં કોરોનાના સૌથી વધારે કેસો છે ત્યાં સ્થાનિક સ્તર પર પ્રતિબંધો ચાલુ રાખવામાં આવે.

ગૃહમંત્રાલયે જણાવ્યું કે પ્રતિબંધોનું કડકાઈથી પાલન કરવાથી દક્ષિણ અને પૂર્વોતરના કેટલા વિસ્તારોને બાદ કરતા આખા ભારતમાં કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. કોરોના વાયરસના કેસોમાં ઘટાડો છતાં દેશમાં કોરોનાના સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યા ઘણી છે. 

નીતિ આયોગના મેમ્બર ડોક્ટર વી.કે.પોલે જણાવ્યું કે દેશમાં વેક્સિનનું ઉત્પાદન સતત વધારાઈ રહ્યું છે. હજુ પણ બીજી 4 વેક્સિન આવનાર છે તેમાં બાયો ઈ વેક્સિન, ઝાયડસની ડીએનએ આધારિત વેક્સિન, ભારત બાયોટેકની નેસલ વેક્સિન અને જિનિવાની વેક્સિન ભારતમાં ઉપલબ્ધ થઈ જશે. તેમણે કહ્યું કે 2021 ના અંત સુધીમાં દેશમાં વેક્સિનના 200 કરોડ ડોઝનું ઉત્પાદન થશે.

 

ડોક્ટર પોલે જણાવ્યું કે સરકાર કોવિડ સુરક્ષા સ્કીમ હેઠળ ઝાયડસ કેડિલા, બાયો ઈ અને જિનિવાની કોરોના વેક્સિન દેશના નિર્માણ માટે ફંડિગ કરી રહી છે. તે ઉપરાંત નેશનલ લેબ્સમાં તેમને ટેકનીકલ સપોર્ટ પણ અપાઈ રહ્યો છે. તેમણે કહ્યું કે ભારત બાયોટેકની નાકમાંથી અપાનારી સિંગલ ડોઝ વેક્સિન માટે પણ કેન્દ્ર સરકાર ફંડિગ આપી રહી છે અને તે દુનિયા માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. 

ડો.વી.કે.પોલે જણાવ્યું કે વેક્સિન માટે ફાઈઝર અને મોડર્નાની સાથે વાતચીત ચાલી રહી છે. ફાઈઝરે જુલાઈથી ઓક્ટોમ્બર સુધી પાંચ કરોડ વેક્સિનની દરખાસ્ત કરી હતી. જોકે કંપનીએ થોડી છૂટછાટ માંગી છે અને કંપનીની ભારત સરકારની સાથે અનેક વાર વાતચીત થઈ ચુકી છે. 

પોલે જણાવ્યું કે રશિયાની કોરોના વેક્સિન સ્પુતનિક વીનું પણ દેશમાં ટૂંક સમયમાં પ્રોડક્શન શરુ થઈ જશે. સરકાર રશિયા સાથે વાતચીત કરી રહી છે જેથી કરીને ડોક્ટર રેડ્ડીની સાથે તાલમેલ કરીને 6 બીજી કંપનીઓ સ્પુતનિક વેક્સિનનું નિર્માણ કરી લેશે.

પોલે જણાવ્યું કે ભારત બાયોટેક ઓક્ટોબર સુધી દર મહિને 10 કરોડ ડોઝ બનાવશે. ભારત બાયોટેકની વેક્સિન નિર્માણ ક્ષમતા વધારાઈ રહી છે. ટૂંક સમયમાં બીજી 3 કંપનીઓ પણ કોવેક્સિનનું નિર્માણ કરશે. 

સરકારે જણાવ્યું કે કોઈ પણ વેક્સિન નિર્માતા કંપનીએ હજુ સુધી ભારતના ડ્રગ કન્ટ્રોલર નિયામક પાસે મંજૂરી માટે અરજી કરી નથી. નિવેદનમાં કહેવાયું કે અમે આંતરરાષ્ટ્રીય વેક્સિન નિર્માતાઓને ફરી અપીલ કરીએ છીએ કે આવો અને ભારતમાં વેક્સિન બનાવો, ભારત માટે અને દુનિયા માટે. દેશમાં 20 કરોડ કરતા વધારે ડોઝ અપાઈ ચૂક્યા છે. જોકે અત્યાર સુધી તો ફક્ત 3 ટકા વસતીનું રસીકરણ થઈ શક્યું છે. 

(10:54 pm IST)