Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

ઇંધણના ભાવમાં ભડકે બળ્યા :22 દિવસમાં 14 વાર વધ્યાં ભાવ: અનેક શહેરોમાં પેટ્રોલના કિંમત લીટરે 100ને પાર

છેલ્લા 22 દિવસમાં પેટ્રોલના ભાવમાં કુલ 3.28 રૂપિયા અને ડીઝલના ભાવમાં કુલ 3.88 રૂપિયાનો વધારો

નવી દિલ્હી : એક દિવસ ભાવ સ્થિર રહ્યાં પછી આજે ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યાં હતાં. આજે એક લિટર પેટ્રોલના ભાવમાં 24 પૈસા અને એક લિટર ડીઝલના ભાવમાં 29 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને રૂ. 93.68 રૂપિયા અને લિટર ડીઝલનો ભાવ 84.61 રૂપિયા થઇ ગયો છે. જયપુરમાં પ્રથમ વખત પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર થઇ ગયો છે. જયપુરમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને રૂ. 100.17 રૂપિયા થઇ ગયો છે.

આજના ભાવવધારા પછી મુંબઇમાં પણ એક લિટર પેટ્રોલનો ભાવ વધીને 100 રૂપિયાની નજીક થઇ ગયો છે.

મુંબઇમાં એક લિટર પેટ્રોલનો ભાવ 99.94 રૂપિયા અને ડીઝલનો ભાવ વધીને 91.87 રૂપિયા થઇ ગયો છે તેમ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની વેબસાઇટમાં જણાવવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક શહેરોમાં અગાઉથી જ પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધીને 100 રૂપિયાને પાર થઇ ગયો છે. આ અગાઉ ભોપાલ પ્રથમ પાટનગર હતું જ્યાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર થઇ ગયો હતો. હવે રાજસ્થાનના પાટનગર જયપુરમાં પણ પેટ્રોલનો ભાવ વધીને 100 રૂપિયાને પાર થઇ ગયો છે.

ચાલું મહિનામાં 14મી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળ સહિતના પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને પગલે 18 દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં આવ્યાં ન હતાં. 18 દિવસના વિરામ પછી ચોથી મેથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં આવ્યાં છે.

ચોથી મેથી અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવમાં કુલ 3.28 રૂપિયા અને ડીઝલના ભાવમાં કુલ 3.88 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર એક લિટર પેટ્રોલ પર 32.90 રૂપિયા અને એક લિટર ડીઝલ પર 31.80 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી વસૂલ કરે છે. આ ઉપરાંત રાજ્ય સરકારો દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર અલગ અલગ દરે વેટ વસૂલ કરવામાં આવે છે.

(10:57 pm IST)