Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

મેહુલ ચોકસીના વકીલનો ચોંકાવનારો દાવોઃ શરીર પર ઇજાના નિશાનઃ એન્ટિગુઆથી જબરજસ્તી ઉઠાવ્યા

વકીલે કહ્યું કે મેહુલને ખૂબ માર માર્યો હતોઃ તેમની આંખો સૂજી ગઇ હતી અને શરીર પર કેટલાંય દાઝયાના નિશાન હતા

નવી દિલ્હી, તા.૨૮: ડોમિનિકામાં પકડાયેલા પંજાબ નેશનલ બેન્ક (PNB) ગોટાળાના આરોપી મેહુલ ચોકસીએ હવે કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. પૂર્વ કેરેબિયન સુપ્રીમ કોર્ટે ભારતમાં જન્મેલા ભાગેડુ મહેલુ ચોકસીના ડોમિનિકાથી પ્રત્યર્પણ શુક્રવારના રોજ પ્રતિબંધ મૂકી દીધો છે. સ્થાનિક સમયાનુસાર અંદાજે ૯ વાગ્યે આજે ફરી તેના પર સુનવણી કરાશે. ડોમિનિકામાં ચોકસીના વકીલે વેન માર્શ એ આરોપ મૂકતા કહ્યું હતું કે તેમને તેના મુવકિલને મળવા દેવાયા નથી. ૨૭મી મેના રોજ તેમને ચોકસી સાથે વાત કરવાની મંજૂરી અપાઇ હતી. વકીલે કહ્યું કે મેહુલને ખૂબ માર માર્યો હતો. તેમની આંખો સૂજી ગઇ હતી અને શરીર પર કેટલાંય દાઝયાના નિશાન હતા.

વકીલે કહ્યું કે તેમણે મને કહ્યું કે એન્ટિગુઆના જોલી હાર્બરમાં તેમનું અપહરણ કરી લીધું હતું, ત્યારબાદ તેને ડોમિનિકા લઇ ગયા. તેમને જે લોકો અપહરણ કરીને લઇ ગયા હતા મેહુલ તેમને ભારતીય અને એન્ટિગુઆ પોલીસ માની રહ્યા હતા.

માર્શ એ કહ્યું કે મેહુલ ચોકસીએ મને જણાવ્યું કે તેને એક ૬૦ થી ૭૦ ફૂટના જહાજ પર લઇ ગયા. માર્શ એ તેને ન્યાયની મજાક ગણાવી અને કહ્યું કે એક વકીલ તરીકે ચોકસીને બચાવા માટે જે કરી શકાશે તે કરીશું. મેહુલ ચોકસીને ડોમિનિકામાં ગેરકાયદે રીતે એન્ટ્રી કરાવ્યા બાદ ઝડપી લેવામાં આવ્યા હતા.

વકીલ વિજય અગ્રવાલે કહ્યું કે કંઇક ગડબડ છે

તો ચોકસીના વકીલ વિજય અગ્રવાલે કહ્યું કે ચોકસીના શરીર પર કેટલાંક નિશાન મળ્યા છે જેના પરથી કંઇક ગડબડી લાગે છે. તેમણે કહ્યું કે મને લાગે છે કે ચોકસીને બીજા દેશમાં લઇ જવાની રણનીતિ બનાવી જેથી કરીને તેને ભારત મોકલી શકાય. મને નથી ખબર કે કંઇ તાકાત કામ કરી રહી છે. અગ્રવાલે કહ્યું હતું કે તેમણે ડોમિનિકાની કોર્ટમાં હીબિયસ કોર્પસની અરજી દાખલ કરી છે. તેના વકીલ વિજય અગ્રવાલે અરજીની પુષ્ટિ કરી છે.

વકીલે ડોમિનિકાની કોર્ટમાં હીબિયસ કોર્પસ અરજી દાખલ કરી છે જેથી કરીને મેહુલ ચોકસીને કોર્ટમાં હાજર કરી શકાય અને તેને જરૂરી કાયદાકીય મદદ કરી શકાય. હીબિયસ કોર્પસ અરજી એટલા માટે દાખલ કરવામાં આવી છે જેથી કરીને ધરપકડ કરાયેલ વ્યકિતને કોર્ટ કે જજની સામે રજૂ કરી શકાય.

અરજીમાં મેહુલના વકીલે દાવો કર્યો કે તેના શરીર પર 'ટોર્ચરના નિશાન'પણ મળ્યા છે. વકીલે એમ પણ આરોપ મૂકયો છે કે મેહુલ ચોકસીને એન્ટિગુઆ અને બારબુડાથી તેમની મરજી વગર 'જબરદસ્તી' ઉઠાવ્યા છે.

વકીલ વિજય અગ્રવાલે કહ્યું કે ડોમિનિકામાં અમારા વકીલોને તેમને (મેહુલ ચોકસી) માત્ર બે મિનિટ જ મળવા દીધા. તેમણે કહ્યું કે તેમને એન્ટિગુઆના જોલી હાર્બરથી જબરજસ્તી ઉઠાવીને ડોમિનિકા લાવવામાં આવ્યા છે.

(10:15 am IST)