Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

ભાજપ શાસિત કેન્દ્ર સરકાર અને આમ આદમી પાર્ટી શાસિત દિલ્હી સરકાર એકબીજા ઉપર દોષારોપણ કરવામાં વ્યસ્ત છે : મને મારા સ્વાસ્થ્ય અને આરોગ્યની ચિંતા છે : રાજધાની દિલ્હીને કોવિદ -19 વેક્સિનનો પૂરતો જથ્થો મળે તેવી વ્યવસ્થા કરાવવા વિવેક ગોર નામક નાગરિકનો દિલ્હી હાઇકોર્ટમાં પોકાર

ન્યુદિલ્હી : વિવેક ગોર નામક દિલ્હીના એક નાગરિકે દિલ્હી હાઇકોર્ટને  અરજ ગુજારતા જણાવ્યું છે કે ભાજપ શાસિત કેન્દ્ર સરકાર અને આમ આદમી પાર્ટી શાસિત દિલ્હી સરકાર એકબીજા ઉપર દોષારોપણ કરવામાં વ્યસ્ત છે  . પરંતુ મને મારા સ્વાસ્થ્ય અને આરોગ્યની ચિંતા છે .તેણે રાજધાની દિલ્હીને કોવિદ -19 વેક્સિનનો પૂરતો જથ્થો મળે તેવી વ્યવસ્થા કરાવવા નામદાર કોર્ટને વિનંતી કરી હતી. જેના અનુસંધાને દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ડી.એન.પટેલ અને ન્યાયાધીશ જ્યોતિ સિંઘની બેંચએ ગઈકાલ ગુરુવારે  બંને સરકારને નોટિસ પાઠવી છે.

વર્તમાન રસીકરણ અભિયાન માટે નોંધણી કરવામાં સામાન્ય માણસોની ફરિયાદનો ઉલ્લેખ કરતાં અરજદારના એડવોકેટે  જણાવ્યું હતું કે 18 થી 44 વર્ષની વયના લોકો માટેની પ્રક્રિયા 'ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ' ની લડાઇમાં હારવા જેવી છે.

43 વર્ષીય  અરજદારે વધુમાં દાવો કર્યો હતો કે રસી ઉપલબ્ધ ન હોવાને કારણે રસી લેવાના તેમના શ્રેષ્ઠ પ્રયત્નો નિરર્થક ગયા હતા અને આજની તારીખમાં તે રસીનો પહેલો શોટ પણ લઈ શક્યો નથી.

ગૌરે કહ્યું હતું કે "દિલ્હીના મુખ્યમંત્રી, દિલ્હીના આરોગ્ય પ્રધાન અને ધારાસભ્ય સુશ્રી અતિશી દાવો કરી રહ્યા છે કે તેમની પાસે ત્રણથી ચાર દિવસથી વધુની રસી નથી. જો આ સ્થિતિ છે તો દિલ્હીવાસીઓના જીવન ઉપર જોખમ છે. પરંતુ, બીજી તરફ, પ્રતિવાદી નંબર 1 (કેન્દ્ર સરકાર) કંઈક બીજું બોલે છે. આવા વિરોધાભાસી નિવેદનો માટેની જવાબદારી નક્કી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે."  તેમણે આ માટે નિવૃત જજ કે અન્ય વ્યક્તિની કમિટી દ્વારા હકીકતની તપાસ કરાવવા વિનંતી કરી છે. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:40 pm IST)