Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

કેરળમાં 31મી મે એ ચોમાસુ બેસવાની આગાહી : ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની શકયતા

નૈઋત્યનું ચોમાસુ, શ્રીલંકા સુધી પહોંચ્યું : 31 મી મે સુધીમાં કેરળમાં ધમાકેદાર પ્રવેશ કરશે

નવી દિલ્હી : દક્ષિણ પશ્ચિમ ( નૈઋત્યનું ) ચોમાસુ આગામી 31મી મેના રોજ, ભારતના તટીય પ્રદેશ કેરળમાં વિધીવત્ત રીતે, બેસી જવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

દક્ષિણ પશ્ચિમ ચોમાસાને આગળ વધવા માટે વાતાવરણમાં તમામ સાનુકુળ પરિબળો છે. જેના કારણે શ્રીલંકા સુધી પહોચી ચુકેલ ચોમાસુ, આગામી 31 મી મે સુધીમાં કેરળમાં ધમાકેદાર પ્રવેશ કરશે.

આ વર્ષે ચોમાસા પૂર્વે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં આવેલા વાવાઝોડાએ, નૈઋત્યુના ચોમાસાને આગળ ધપવાની ગતિમાં કોઈ જ વિક્ષેપ ઉભો કર્યો નથી. પરિણામે ચોમાસુ તેના નિર્ધારીત સમય મુજબ જ ભારતમાં પ્રવેશ કરશે. હાલ નૈઋત્યનું ચોમાસુ, શ્રીલંકા સુધી પહોચી ચૂક્યુ છે. ત્યાથી ચોમાસુ આગળ વધીને કેરળ અને ભારતના અન્ય પ્રદેશમાં પણ આગળ વધશે.

 

ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂનની આસપાસ દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ચોમાસાનો પ્રારંભ થાય છે. જે સમગ્ર ગુજરાતને આવરી લેવામાં 15 દિવસનો સમય લાગે છે. એટલે કે જો વાતાવરણ બિલકુલ અનુકુળ હોય તો, નૈઋત્યના ચોમાસાને વલસાડથી કચ્છ સુધીના વિસ્તારને આવરી લેવામાં પંદર દિવસનો સમય લાગે છે.
ગુજરાતમાં દરિયા ઉપરથી ફુકાતા ભેજયુક્ત પવન અને ગરમીને કારણે ઊભા થયેલા સ્થાનિક વાતાવરણને પગલે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ પૂર્વ ગુજરાતમાં આગામી બે દિવસમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
વડોદરા, વલસાડ, ડાંગ, દાહોદ, મહિસાગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લામાં આગામી 48 કલાકમાં હળવો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

(8:37 pm IST)