Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

રામ મંદિર ટ્રસ્ટ પર નવો વિવાદ

નિર્વાણી અખાડાએ PMOને મોકલી કાનૂની નોટિસ

નવી દિલ્હી, તા. ર૮ : અયોધ્યામાં રામમંદિરના ભૂમિપૂજનની તૈયારી અંતિમ ચરણમાં છે, ત્યારે શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનો વધુ એક વાર વિવાદ સર્જાયો છે. નિર્વાણી છાવણીના મહંત ધર્મદાસે વડાપ્રધાન કાર્યાલયને કાનૂની નોટિસ મોકલી છે.

આ નોટિસમાં જણાવાયું છે કે, રામજન્મભૂમિ વિવાદની કાનૂની લડાઇમાં નિર્વાણી અખાડાની ચાવીરૂપ ભૂમિકા રહી છે. શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટમાં સ્થાન ન મળવા બદલ અખાડાએ છેલ્લી ઘડીએ નારાજગી બતાવી છે.

મહંત ધર્મદાસે ટ્રસ્ટમાં નિર્વાણી અખાડાને સામેલ કરવાની માંગ કરી છે. બે મહિનાની અંદર મહંત ધર્મદાસને નવા રામમંદિરમાં પૂજારીની ભૂમિકા આપવાનો ફેંસલો લેવાની માંગ નોટિસમાં કરાઇ છે. નિર્વાણી અખાડાના મહંતે કહ્યું છે કે, તેમની માંગ પર વિચાર નહીં કરાય, તો કાનૂની કાર્યવાહી કરાશે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં કાનૂની લડાઇ દરમ્યાન નિર્વાણી અખાડા પણ પક્ષકારોમાં સામેલ હતો.

અયોધ્યા માટે પીએમ મોદીનો કાર્યક્રમ નક્કી : પ ઓગષ્ટ ૧૧.૩૦ વાગ્યે અયોધ્યા પહોંચશે : ભાષણ પણ કરશે મોદી

અયોધ્યા, તા. ર૮ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી પાંચમી ઓગષ્ટના રોજ અયોધ્યાના રામ મંદિરનું ભૂમિપૂજન કરશે અને સાથે નિર્માણનો શુભારંભ કરાવશે. પીએમ મોદીનો કાર્યક્રમ નિશ્ચિત થઇ ગયો છે. તેઓ દિવસમાં સાડા અગિયાર વાગ્યે અયોધ્યા પહોંચી જશે અને લોકોને સંબોધન પણ કરશે. એક અહેવાલ અનુસાર પીએમ મોદી પાંચ ઓગષ્ટના રોજ ૧૧-૩૦ વાગ્યે અયોધ્યા પહોંચી સાકેત વિશ્વ વિદ્યાલયથી રામજન્મભૂમિ તરફજશે. આ દરમિયાન હનુમાનગઢીની પણ મુલાકાત લેશે. પ્રાપ્ત જાણકારી મુજબ કાર્યક્રમમાં ર૦૦ મહેમાન સામેલ રહેશે. જેમાં વિશિષ્ટ અતિથિઓ સાથે સાધુ સંત અને અધિકારીઓ સામેલ રહેવાની જાણકારી મળી છે. રિપોર્ટ મુજબ પીએમ મોદી અયોધ્યામાં રામ મંદિર પ્રવાસ દરમિયાન ભાષણ પણ આપશે. તેઓનો કાર્યક્રમ બે કલાકનો રહેશે. ભૂમિ પૂજનનો સમય ૧ર-૧પ વાગ્યાનો રહેશે. આ દરમિયાન પીએમ મોદી રામ મંદિરની આધારશિલા પણ રાખશે.

(11:42 am IST)