Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

રમણીકભાઈ અંબાણીનું ૯૫ વર્ષની વયે દુઃખદ નિધન

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સ્થાપક સ્વ.ધીરૂભાઈ અંબાણીના મોટાભાઈ અને ગુજરાતના ઊર્જામંત્રી સૌરભ પટેલના સસરા : કાપડની બ્રાન્ડ 'વિમલ'ને પ્રારંભ કરવામાં સિંહફાળોઃ મુકેશભાઈનો પરિવાર લંડન હોય અંતિમક્રિયામાં હાજરી આપી ન શકયા

અમદાવાદઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સ્થાપક ધીરૂભાઈ અંબાણીના મોટાભાઈ રમણીકભાઈ અંબાણીનું ગઈકાલે સોમવારે સાંજે દુઃખદ અવસાન થયું છે. તેઓ ૯૫ વર્ષના હતા. પ્રાથમિક જાણકારી મુજબ વયોવૃધ્ધ હોવાને લીધે તેમનું નિધન થયું છે. આ અંગેની પુષ્ટી તેમના પરિવારે કરી છે. રમણિકભાઈ તેમના ભાઈ ધીરૂભાઈ અંબાણીના જીવનમાં દરેક પડાવના સાક્ષી રહ્યા છે. રિલાયન્સની શરૂઆતમાં પણ તેમણે અગત્યની ભૂમિકા ભજવી હતી. પરિવારના જણાવ્યા પ્રમાણે તેમણે ૯૫ વર્ષનું સંપૂર્ણ અને ઉમદા જીવન જીવ્યું અને તેમના જીવન દરમ્યાન ભારતની સફળતાના સાક્ષી અને આજે અસ્તિત્વમાં રહેલા ઈતિહાસનો નાનો ભાગ બન્યા હતા.

ગુજરાતના ઊર્જામંત્રી સૌરભ પટેલ તેમના જમાઈ છે. ગુજરાત સરકાર ઊર્જા મિનિસ્ટર સૌરભ પટેલના લગ્ન રમણિકભાઈની પુત્રી ઈલાબેન સાથે થયા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં કો ફાઉન્ડર રમણિકભાઈના પુત્ર વિમલના નામ પરથી ધીરૂભાઈ અંબાણી કાપડની બ્રાન્ડ વિમલ શરૂ કરી હતી.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી પરિવાર સાથે લંડનમાં હોવાથી તેઓ અંતિમક્રિયામાં હાજરી આપી શકયા ન હોતા.

ઉલ્લેખનીય છે કે ધીરૂભાઈ ૧૭ વર્ષના હતા. ત્યારે રમણીકભાઈએ તેમને અખાતી દેશ એડન બોલાવ્યા હતા અને ત્યાં ધીરૂભાઈ પેટ્રોલ પંપ પર એટેન્ડેન્ટની નોકરી શરૂ કરી હતી. આ ઉપરાંત જૂનાગઢની જાણીતી સંસ્થા શિશુમંગલમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે પણ તેઓ કાર્યરત હતા. રમણીકભાઈના પુત્ર વિમલના નામ પરથી રિલાયન્સ ગ્રુપની જાણીતી બ્રાન્ડ વિમલ અસ્તિત્વમાં આવી હતી. અમદાવાદમાં વિમલ મિલને સુસ્થાપિત કરવામાં તેમનો મહત્વનો ફાળો હતો.

(11:41 am IST)