Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

અયોધ્યામાં દિવાળી પહેલા દિવાળી જેવો માહોલ : રામજીની નગરીને શણગાર

નરેન્દ્રભાઇને આવકારવા મુખ્ય ૧૨ દ્વારોને શણગાર : મંદિરના પાયામાં ટાઇમ કેપ્સ્યુલ મુકાશે : ભૂમિપૂજનના દિવસે રામલલાને લીલા રંગના તથા બીજા દિવસે પીળા રંગના વાઘા પહેરાવાશે : મંદિરોમાં લાઇટીંગઃ શહેરમાં લાઇટ - સાઉન્ડની વ્યવસ્થા : મંદિર પરિસરમાં જર્મન ટેન્ટ હેંગર દ્વારા વરસાદથી બચવા લગાડાશે

અયોધ્યા તા. ૨૮ : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ભવ્ય સ્વાગત માટે તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. રામનગરીમાં મુખ્ય માર્ગો ઉપર ૧૨ મુખ્ય દ્વારો નરેન્દ્રભાઇને આવકારવા તૈયાર કરાઇ રહ્યા છે. ભવ્ય મંદિર નિર્માણના ભૂમિપૂજન પહેલા સજાવાઇ રહી છે. અયોધ્યાના મુખ્ય મંદિરોને રંગબેરંગી લાઇટીંગ કરવામાં આવી રહી છે. આ કાર્ય માટે ભાજપના ૪ હજાર કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે.

૫ ઓગસ્ટના રોજ વિશ્વ ભવ્ય રામ મંદિરનું ભૂમિપૂજન નિહાળશે. રામનગરીને યુધ્ધ સ્તરે શણગારવાનું શરૂ કરવામાં આવ્યું છે. ૩, ૪ અને ૫ ઓગસ્ટના રોજ વિભિન્ન મંદિરોમાં ભવ્ય આયોજનો માટે તૈયારીઓ શરૂ કરાઇ છે.

શ્રી રામજન્મ ભૂમિ પરિસરમાં કોરોના મહામારીના કારણે નરેન્દ્રભાઇ, મંદિર આંદોલન સાથે જોડાયેલ કેટલાક મુખ્ય સંતો-મહંતો અને અગ્રણીઓને જ જવાની પરવાનગી અપાઇ છે. ટ્રસ્ટના પદાધિકારીઓની હાજરી અલગથી રહેશે. સમગ્ર કાર્યક્રમને સોલો લાઇટ દ્વારા વિશ્વના ખૂણે-ખૂણે પહોંચાડવાની યોજના છે.

ભૂમિપૂજન કાર્યક્રમની કમાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સંભાળશે. વરસાદથી બચવા પુરતી સંખ્યામાં જર્મન ટેન્ટ હેંગર લગાડાય રહ્યા છે. સમગ્ર નગરીમાં લાઇટ - સાઉન્ડ લગાડાયા છે. શહેરના તમામ મોટા સભાગૃહોમાં મોટી સ્ક્રીનના માધ્યમથી કાર્યક્રમનું પ્રસારણ કરવા યોજના કાર્યવન્તીત કરાઇ છે. સમગ્ર કાર્યક્રમો સોશ્યલ ડિસ્ટનસીંગનું ધ્યાન રાખી યોજાશે.

રામ જન્મભૂમિના શિલાન્યાસ અને ભૂમિપૂજનના દિવસે ૫ ઓગસ્ટે રામલલ્લાને લીલા કલરના વાઘા પહેરાવાશે. વસ્ત્ર તૈયાર કરનાર દરજી ભગવતી પ્રસાદે જણાવેલ કે ભવ્ય આયોજનના દિવસે લીલા રંગના વસ્ત્રોમાં રામલલાને જોઇ દરેક મંત્રમુગ્ધ બની જશે. મખમલી કપડામાંથી વાઘા બનાવાઇ રહ્યા છે. હનુમાનજી માટે પણ તેવા જ વસ્ત્રો બનાવાઇ રહ્યા છે. વસ્ત્રો ઉપર વિશેષ શણગાર રૂપે નવરત્ન પણ જડવામાં આવશે. મખમલી કપડામાંથી જ રામલલાનું આસન તથા પડદા બનાવાનું કામ ચાલુ છે. ૧ ઓગસ્ટ સુધીમાં રામલલાના વસ્ત્રો તૈયાર થઇ જશે.

ભગવતી પ્રસાદના નાનાભાઇ શંકરલાલે જણાવેલ કે સંભવ છે કે ભૂમિપુજન બાદ રામલાલાએ પહેરેલ વાઘા ભકતોને દર્શન માટે મુકવામાં આવે જો કે હજી સુધી તે અંગે કોઇ અધિકારીક રૂપે જાહેરાત નથી થઇ. વાઘા બનાવવા માટે ભગવતીપ્રસાદ અને તેમનો પરિવાર તૈયારીમાં વ્યસ્ત છે.

મંદિર માટે મુધલ વંશજ તુસી દ્વારા સોનાની ઇંટનો પ્રસ્તાવ

અયોધ્યાઃ રામમંદિર નિર્માણ માટે દાન આવવાનું શરૂ થઇ ગયું છેતેવામાં પોતાને મુધલ સામ્રાજયના અંતિમ શાસક બહાદુર શાહ ઝફરના વંશજ ગણાવતા યાકુબ હબીબુદીન તુસીલએ મંદિર નિર્માણ માટે એક કિલો સોનાની ઇંટનો દેવાનો પ્રસ્તાવ વડાપ્રધાન નરેન્દ્રભાઇને આપ્યો છે. તેઓ ઇચ્છે છે કે રામમંદિરમાં સોનાની ઇંટનો ઉપયોગ થાય.

તુસીલએ જણાવેલ કે આ આપણા બધા માટે ખુબજ ખુશીની વાત છે કે અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ થવા જઇ રહ્યું છે અને જેમ મે અગાઉ પણ કહેલ કેમંદિર નિર્માણમાં મુધલો તરફથી સોનાની ઇંટ દેવા માંગુ છું જો કે આ પ્રસ્તાવ અંગે નરેન્દ્રભાઇના જવાબની રાહ તુસી જોઇ રહ્યા છે.

(2:46 pm IST)