Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

લગ્ન સમારોહમાં કોરોનાની ગાઈડલાઇનનો ભંગ ભારે પડ્યું : વર -કન્યા સહીત 41 લોકો સંક્રમિત

સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના તમામ નિયમોના લીરેલીરા ઉડાવ્યા

નવી દિલ્હી: સમગ્ર દેશ સહિત કેરળમાં પણ કોરોનાનો કહેર જોવાઈ રહયો છે કોરોનાના વધતા જતાં કેસને જોતા રાજ્યની પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. આમ છતાં લોકો બેદરકારી દાખવીને પોલીસની મહેનત પર પાણી ફેરવી રહ્યાં છે. આવો જ એક કિસ્સો કેરળના કાસરગોડમાંથી સામે આવ્યો છે.

 આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, કાસરગોડમાં એક લગ્ન સમારંભમાં સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈનના લીરેલીરા ઉડ્યા હતા. સરકારના નિયમોને પાલન ના કરવું લગ્ન સમારંભમાં સામેલ થયેલા લોકોને ભારે પડ્યું છે. અહીં લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના તમામ નિયમોને નજરઅંદાજ કરીને ઘોર બેદરકારી દાખવી. જેનું પરિણામ એ આવ્યું કે, લગ્ન સમારંભમાં આવેલા લોકોની તબીયત લથડવા લાગી.

જ્યારે ડૉક્ટરોએ તપાસ હાથ ધરી ત્યારે વર-કન્યા સહિત 43 મહેમાનો કોરોના વાઈરસથી સંક્રમિત મળી આવ્યા. આ મામલે પોલીસે સખ્ત કાર્યવાહી કરતા કન્યાના પિતા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. કન્યાના પિતા વિરુદ્ધ એપિડેમિક ડિસીઝ એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે, 17 જુલાઈએ લગ્ન થયા હતા. જેમાં કોરોનાને લઈને જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈનમાં જણાવેલી સંખ્યા કરતાં વધારે ગેસ્ટ આવ્યા હતા. લગ્ન સમારંભ દરમિયાન અનેક લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. જે બાદ તપાસ કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું કે, વર-કન્યા સહિત 41 લોકો કોરોના પોઝિટિવ થઈ ગયા છે.

અગાઉ આવો જ એક કિસ્સો બિહારમાંથી સામે આવ્યો હતો. જેમાં એક લગ્નમાં સામેલ થયેલા 111 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ગયા હતા. જ્યારે લગ્નના બીજા જ દિવસે વરરાજાએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ભારત સહિત કેરળમાં કોરોના વાઈરસનું સંકટ દિન-પ્રતિદિવ વધી રહ્યું છે. કેરળમાં કોરોના સંક્રમિતોનો આંકડો 19727 પર પહોંચ્યો છે. જ્યારે 63 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

(1:04 pm IST)