Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

બિહારમાં સ્થિતિ વધુ બગડશેઃ આસામ-સિકિકમ-મેઘાલયમાં ભારે વરસાદ સાથે પુરનું તાંડવ સર્જાશે

ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, દિલ્હી એનસીઆરમાં પણ સારો વરસાદ પડશેઃ ગુજરાત સહિત બાકીના રાજયોમાં વરસાદની શકયતા ઓછીઃ સ્કાયમેટ

નવી દિલ્હીઃ ચોમાસાની ટ્રફરેખા હિમાલયની  તળેટીએ પહોંચી ગઈ છે. જેથી દેશના અમુક ભાગો સિવાય વરસાદની શકયતા ઓછી છે. જયારે આસામ, સિકિકમ, મેઘાયલમાં આજથી ત્રણેક દિવસ ભારે વરસાદ સાથે પૂરનું તાંડવ જોવા મળશે. તેમ વેધરની સંસ્થા સ્કાયમેટ જણાવ્યું છે.

આજદિન સુધી દેશભરમાં સામાન્યથી ૨ ટકા વધુ વરસાદ થયો છે. દક્ષિણ ભારતમાં ૧૩ટકા, પૂર્વોતર ભારત ૧૨ ટકા, મધ્યભારત સામાન્ય નજીક. વરસાદ  સામાન્યથી વધુ પડયો છે. જયારે ઉત્તર- પશ્ચિમ દિશામાં વરસાદમાં ૨૦ ટકા ઘટાડો નોંધાયો છે. જો કે અહિં છેલ્લા કેટલાક દિવસોમાં સારો વરસાદ પડયો હતો.

જયારે અલગ- અલગ રાજયોના હિસાબે જોઈએ તો જમ્મુ- કાશ્મીરમાં સામાન્યથી ૫૨ ટકા, લદાખમાં ૫૫ ટકા, હિમાચલપ્રદેશ ૩૪ ટકા, ઉત્તરાખંડ ૨૨ ટકા, દિલ્હીમાં ૨૨ ટકા વરસાદમાં ઘટાડો નોંધાયો છે. પરંતુ આ ભાગોમાં આગામી દિવસોમાં  વરસાદી એકટીવીટીમાં વધારો જોવા મળશે. વરસાદી ખાદ્ય પુરી થવા સંભવ છે. છેલ્લા કેટલાક દિવસોમાં પંજાબ અને હરિયાણામાં સારો વરસાદ પડયો જેથી આંકડાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. આ સિવાય મણિપુર ૪૩ ટકા, મિઝોરમ ૩૩ ટકા, દક્ષિણ ભારતના કેરળમાં ૨૮ ટકા ઓછો વરસાદ રેકોર્ડ થયો છે.

સ્કાયમેટે જણાવ્યું કે આગામી ત્રણ- ચાર દિવસ દેશમાં ખાસ કરીને ઉત્તર ભારતમાં વરસાદની માત્રામાં વધારો થશે. જયારે ટ્રફ હિમાલયની તળેટીએ પહોંચી ગઈ છે. પૂર્વોતર રાજયોમાં આવતીકાલથી વરસાદની માત્રામાં વધારો આવતો જશે. ખાસ કરીને યુ.પી, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, દિલ્હી એનસીઆરમાં વ્યાપક વરસાદ પડશે.

જયારે બિહારમાં આગામી બે થી ત્રણ દિવસ ભારે વરસાદની શકયતા છે. નદીઓ ઉફાન ઉપર રહેશે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાશે. ગંભીર પરીસ્થિતિ સર્જાશે. ઉલ્લેખનિય છે કે બિહારમાં નદીઓ અગાઉથી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. આસામ, સિકિકમ, મેઘાલયમાં પણ પૂરની સ્થિતિ જોવા મળશે. બાકીના દેશના રાજયોમાં આગામી ત્રણ દિવસ વરસાદની શકયતા નહિવત છે. આગામી બે- ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદમાં ઘટાડો જોવા મળશે. રાજસ્થાનમાં પણ સંભાવના નથી. જયારે મહારાષ્ટ્રમાં પણ શકયતા નહિંવત છે જો કે કોંકણ ગોવામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

(3:05 pm IST)