Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

રામ મંદિરના નિર્માણ સ્થળે પાયામાં બે હજાર ફૂટ નીચે કેપ્સ્યુલ મુકાશે

નરેન્દ્રભાઈ ૪૦ કિલો ચાંદીની ઈંટ મૂકી ભૂમિનું પૂજન કરશે : કેપ્સ્યુલની મદદથી ભવિષ્યમાં કોઈપણ ભાવિક મંદિરનો ઈતિહાસ જાણી શકશે

અયોધ્યા, તા.૨૮: શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે કહ્યું હતું કે, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણના સ્થળે પાયામાં ૨૦૦૦ ફૂટ નીચે એક ટાઈમ કેપ્સુલ મૂકવામાં આવશે. ટ્રસ્ટના એક ટ્રસ્ટી કામેશ્વર ચૌપાલ અનુસાર ભવિષ્યમાં કોઈપણ વ્યકિત મંદિરના ઈતિહાસની માહિતી મેળવવા માંગતી હશે તેને આ ટાઈમ કેપ્સુલ ઘણી મદદરૂપ થઈ પડશે. રામ મંદિરનું જે નિર્માણ સ્થળ છે. ત્યાં પાયામાં ૨૦૦૦ફૂટ નીચે આ કેપ્સૂલ મૂકવામાં આવશે. ભવિષ્યમાં કોઈપણ વ્યકિત આ મંદિરના ઈતિહાસ વિશે માહિતી મેળવવા માંગતી હશે તેને આ કેપ્સુલ મદદરૂપ થઈ પડશે, તે ઉપરાંત આ કેપ્સુલની મદદથી રામ જન્મભૂમિ સાથે સંકળાયેલા તમામ સત્યો અને તથ્યોની પણ માહિતી મળી શકશે.

ઉલ્લેખનીય છે કે, કામેશ્વર ચૌપાલ બિહારના એક દલિત છે જેમણે ૯મી નવેમ્બર ૧૯૮૯ના રોજ અયોધ્યા ખાતે યોજાયેલી રામ મંદિરની ખાતમુર્હુત વિધિ વખતે પાયાની પ્રથમ ઈંટ મૂકી હતી અને ત્યારથી આ ૬૪ વર્ષના બુઝુર્ગ અયોધ્યા ખાતે રામ મંદિર નિર્માણકાર્ય શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા છે. બાબરી મસ્જિદ વિરૂદ્ધ રામ જન્મભૂમિના વિવાદસ્પદ કેસમાં સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપ્યાના બરાબર નવ મહિના બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ ૫ મી ઓગસ્ટે અયોધ્યા ખાતે રામ મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમમાં ભાગ લેવા આવી રહ્યા છે. વડાપ્રધાનશ્રી મોદીના હસ્તે ભૂમિપૂજન થયા બાદ વિધિવત રીતે રામ મંદિરનું નિર્માણકાર્ય શરૂ થઈ જશે.

૫ ઓગસ્ટના રોજ વડાપ્રધાનશ્રી મોદી ૪૦ કિલો ચાંદીની બનેલી ઈંટ મૂકીને ભૂમિનું  પૂજન કરશે. મંદિરનું ગર્ભગૃહ જે જગ્યાએ નિર્માણ પામશે તે જગ્યાની ભૂમિનું પૂજન કરવામાં આવશે. ભૂમિપૂજનના બે દિવસ પહેલાં મુખ્ય સ્થળે વૈદિક મંત્રોચ્ચારથી ધાર્મિકવિધિ શરૂ થઈ જશે.

(3:11 pm IST)