Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

નવી ઉપાધી વળગી... તૈયાર સલાડથી ફેલાય છે સંક્રમણ

લાલ કોબીજ, આઈસબર્ગ, લેટસ, ગાજરના મિકસ સલાડથી સંક્રમણ ફેલાયુ : અમેરીકામાં ૬૦૦થી વધુ લોકો બિમાર પડી ગયા

વોશીંગ્ટન : કોરોના વાયરસ સંકટ સામે લડી રહેલા અમેરીકામાં હવે નવા સંક્રમણે હુમલો કર્યો છે. અહિં સલાડ સંક્રમણનો પ્રકોપ અનેક રાજયોમાં ફેલાયો છે. જેનાથી ૬૦૦થી વધારે લોકો બિમાર છે. ફેડરલ અધિકારીઓ અનુસાર તે સાઈકલોસ્પોરા સલાડના સેવન સાથે સંકળાયેલુ સંક્રમણ છે અને ઈલીનોઈસ સ્થિત ફ્રેશ એકસપ્રેસ ઉત્પાદન સુવિધા દ્વારા સલાડ મિકસ બેચના કારણે ફેલાઈ રહ્યુ છે. સલાડના આ મિકસમાં ફ્રેશ એકસપ્રેસ દ્વારા લાલ કોબીજ, આઈસબર્ગ લેટસ, ગાજર અને ઉત્પાદનો નાખવામાં આવ્યા છે.

સંક્રમણના શરૂઆતના કેટલાક કેસો મે મહિનામાં અને કેટલા આ મહિનામાં અમેરીકાના ઘણા રાજયોમાં નોંધાયા છે. સીડીસી અને એફડીએ સાઈકલોસ્પોરા સંક્રમણોના આ પ્રકોપની તપાસમાં લાગી છે. આ તપાસમાં ફ્રેશ એકસપ્રેસના બ્રાન્ડો ઉત્પાદનોની સાથે અને વોલમાર્ટ જેવા રીટેલ સ્ટોરોમાં વેચાતા ફ્રેશ એકસપ્રેસના અન્ય ઉત્પાદનોની પણ તપાસ થશે.

એફડીએ દ્વારા એક પ્રેસ રીલીઝમાં કહેવાયુ છે કે લોકોએ આ સલાડથી દૂર રહેવુ જોઈએ અને ઘરોમાં આ રીકોલ્ડ ઉત્પાદનો ન ખાવા જોઈએ. સાઈકલો સ્પોરા એક સૂક્ષ્મ પરજીવી છે જે આંતરડા સાથે જોડાયેલા અંગો અને નળીઓને પ્રભાવિત કરે છે અને પછી ઝાડા થાય છે. જે એક મહિના સુધી દર્દીને હેરાન કરી શકે છે. તેનું સેવન કર્યા પછી એક અઠવાડીયા પછી તે પોતાના લક્ષણો દેખાડવાનુ શરૂ કરે છે.

(3:15 pm IST)