Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

બકરી ઇદના દિવસે કુરબાની આપવી હોય તો બકરીના બદલે પોતાના બાળકોની આપેઃ ગાઝીયાબાદના ભાજપના ધારાસભ્‍ય નંદકિશોર ગુર્જરેનું વિવાદાસ્‍પદ નિવેદન

ગાઝિયાબાદ: મુસ્લિમોના મુખ્ય તહેવાર ગણાતા બકરી ઈદ પર બકરા કે અન્ય જાનવરને કાપીને કુરબાની આપવાનો રિવાજ છે. આ વખતે બકરી ઈદ કદાચ 31મી જુલાઈએ ઉજવવામાં આવશે. આ બધા વચ્ચે બકરી ઈદ પર અપાતી જાનવરોની કુરબાની મુદ્દે લોનીથી ભાજપના વિધાયક નંદકિશોર ગુર્જરે વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે બકરી ઈદના અવસરે કુરબાની આપનારાઓને સીધી ચેતવણી આપતા કહ્યું કે જેમણે પણ કુરબાની આપવી હોય તેઓ પોતાના બાળકોની આપે. માંસ ખાવાથી કોરોના ફેલાય છેઅને આવામાં લોનીમાં બકરી ઈદ પર કુરબાની નહીં થવા દઈએ.

નંદ કિશોર ગુર્જરે કહ્યું કે બકરી ઈદ પર મુસ્લિમ સમાજને કુરબાની ન આપવાની અપીલ કરાઈ છે. જે પ્રકારે લોકોએ કોરોના પર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નિયમોનું પાલન કર્યું છે, મસ્જિદોમાં નમાજ અને મંદિરોમાં પૂજા કરી નથી. એ જ રીતે આ વખતે બકરી ઈદ પર કુરબાની ન આપે કારણ કે તેનાથી કોરોના ફેલાવવાનું જોખમ છે.

તેમણે કહ્યું કે આ અગાઉ સનાતન ધર્મમાં પણ બલિ અપાતી હતી પરંતુ હવે ફક્ત નારિયેળ ફોડવામાં આવે છે. એ જ રીતે મુસ્લિમ સમાજના લોકો પણ કુરબાની ન આપે. ગાઝિયાબાદ પ્રશાસનને પણ કુરબાની રોકવા માટે અપીલ કરીશું અને લોનીમાં એક પણ કુરબાની થવા દઈશુ નહીં.

જો કે આ અગાઉ સંભલથી સમાજવાદી પાર્ટીના સાંસદ શફીકુરેહમાને બકરી ઈદ પર પશુ બજારોને ખોલવાની અને સામૂહિક નમાજની મંજૂરીની માગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે સામૂહિક નમાજથી કોરોના ભાગી જશે.

આ ઉપરાંત ભાજપના વિધાયક સંગત સોમે શફીકુરેહમાનને બટાકા-શરગવા ખાઈને તહેવાર ઉજવવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે જો તેઓ વાત નહીં માને તો તેમણે પણ સપા સાંસદ આઝમ ખાનની જેમ જેલમાં બકરી ઈદ ઉજવવી પડશે.

(5:01 pm IST)