Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

રાજયમાં ઈ-કોમર્સ કંપનીઓ સામે માસ ડ્રાઇવ: 60 જેટલી કંપનીઓ સામે કાર્યવાહી કરાઈ : 25 લાખનો દંડ વસૂલાયો

ફલીપ કાર્ટ, એમેઝોન, સ્વીગી, ઝોમેટો, આઝીયો, મિંત્રા, સ્નેપડીલ, બિગ કાસ્કેટ, ગ્રોફર્સ, જીયો માર્ટ વિગેરે પર ચકાસણીની કામગીરી: માસ ડ્રાઇવ મોડી રાત સુધી ચાલુ રહેશે

ગાંધીનગર: ડીસેમ્બર માસમાં ઓનલાઇન વેચાણ ખૂબ મોટા પ્રમાણમાં થતુ હોય છે તથા ઇ-કોમર્સ કંપનીઓ ગ્રાહકોની ફરીયાદ સાંભળતી ન હોવાની બાબત ધ્યાને આવતા, ગ્રાહકોને કંપનીઓ દ્વારા અંધારામાં રાખવામાં ન આવે કે છેતરવામાં ન આવે તે માટે ઇ-કોમર્સ પ્લેટફોર્મ જેવા કે ફલીપ કાર્ટ, એમેઝોન, સ્વીગી, ઝોમેટો, આઝીયો, મિંત્રા, સ્નેપડીલ, બિગ કાસ્કેટ, ગ્રોફર્સ, જીયો માર્ટ વિગેરે પર ચકાસણીની કામગીરી સમગ્ર ગુજરાત રાજયમાં આજે કરવામાં આવેલ માસ ડ્રાઇવ મોડી રાત સુધી ચાલુ રહેશે.

આ પ્રકારની ચકાસણી દરમ્યાન મોટા પ્રમાણમાં નિયમો તથા કાયદાના ભંગની બાબતો ધ્યાને આવેલ છે અને જોગવાઇઓ અનુસાર કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં પણ આવી રહી છે.

આ પ્રકારની માસ ડ્રાઇવ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં પ્રથમ વખત થઇ રહી છે. આ ડ્રાઇવ કરવા માટે તોલમાપ તંત્રના અધિકારીઓ / ઇન્સપેકટરને આઇ.ટી. ની તાલીમ આપવામાં આવેલ. ભવિષ્યમાં પણ અલગ અલગ સેકટરની તપાસ માટેની ડ્રાઇવ ચાલુ રાખવામાં આવશે. જેથી ગ્રાહકો અંધારામા ના રહે તથા છેતરાતા બચે.

મળતી વિગતો મુજબ સાંજ સુધીમાં આશરે 60 જેટલી કંપનીઓ પર નિયમ ભંગ તથા ગેરરીતી સબબ કાર્યવાહી કરીને 25 લાખનો દંડ વસુલ કર્યો હતો.

સૂત્રોએ જણાવ્યું છે કે, આ બાબતમાં કોઇ તકલીફ અથવા મૂશ્કેલી પડે તો તેના નિવારણ માટે આ કચેરીની ઇમેઇલ એડ્રેૃસ ઉપર રજુઆત કરી શકાય છે

(12:00 am IST)