Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

આરબીએલનો શેર 25 ટકા ગગડયો : ઘટનાક્રમે લોકોનો વિશ્વાસને ડગાવ્યો

કામકાજના અંતે 18.48 ટકા ઘટાડા સાથે રૂ. 140.95ની સપાટીએ બંધ રહ્યો જે શુક્રવારે બેંકનો શેર રૂ.172.90ના સ્તરે બંધ રહ્યો

મુંબઈ :  પ્રાઈવેટ બેંકિંગ ક્ષેત્રમાં રોકાણકારોના વિશ્વાસને ફ્રી ડગમગાવે તેવી ઘટનામાં સોમવારે આરબીએલનો શેર 25 ટકા ગગડયો હતો અને કામકાજના અંતે 18.48 ટકા ઘટાડા સાથે રૂ. 140.95ની સપાટીએ બંધ રહ્યો હતો. શુક્રવારે બેંકનો શેર રૂ.

172.90ના સ્તરે બંધ રહ્યો હતો. એનએસઈ ખાતે બે સપ્તાહના સરેરાશ 68.55 લાખ શેર્સની સરખામણીમાં 19 કરોડથી વધુ શેર્સનું કામકાજ જોવા મળ્યું હતું.

આરબીએલ બેંકમાં શુક્રવારે માર્કેટ બંધ થયા બાદ બે ઘટનાઓ ઘટી હતી. જેમાં એક ઘટનામાં બેંકના એમડી અને સીઈઓ વિશ્વવીર આહુજાએ રજા પર જવાની વાત કરી હતી. જેને કારણે બેંકે કામચલાઉ એમડીની નિમણૂક કરી હતી. જ્યારે બેંક રેગ્યુલેટર આરબીઆઈએ બેંકના બોર્ડમાં એડિશનલ ડિરેક્ટર તરીકે 25 વર્ષોના અનુભવી યોગેશ કે દયાલની નિમણૂક કરી હતી. આરબીઆઈના આ પગલાંને કારણે સપ્તાહાંતથી જ બેંકને લઈને માર્કેટમાં ચર્ચાઓનો દોર શરૂ થયો હતો. બેંકના હંગામી એમડીએ એક પત્રકાર પરિષદ પણ યોજી હતી. દરમિયાનમાં રવિવારે સાંજે એક માધ્યમના એવા અહેવાલ રજૂ કર્યા હતાં કે અગ્રણી રોકાણકારો રાકેશ ઝુનઝુનવાલા અને રમેશ દામાણીએ આરબીએલમાં 10 ટકા ઈક્વિટી હિસ્સો ખરીદવા માટે આરબીઆઈ પાસે મંજૂરી માગી છે. જોકે આ પોઝિટિવ અહેવાલ વચ્ચે પણ આરબીએલનો શેર સોમવારે 10 ટકાની સેલર સર્કિટમાં ખૂલ્યો હતો. જ્યાંથી તેણે 5-5 ટકાની બે સેલર સર્કિટ દર્શાવી હતી અને રૂ. 130.20ની સપાટીએથી પરત ર્ફ્યો હતો. દિવસ દરમિયાન રૂ. 151 સુધી સુધર્યા બાદ આખરે તેણે દિવસના તળિયા નજીક જ બંધ આપ્યું હતું.

શેરબજાર ચાલુ હતું ત્યારે આરબીઆઈએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે ડિપોઝિટર્સે તથા શેરધારકોએ કોઈ અટકળોને ગણનામાં લેવાની જરૂર નથી. આરબીએલ બેંકની નાણાકીય તંદુરસ્તી સારી છે. બેંક પૂરતી મૂડી પર્યાપ્તતા ધરાવે છે તથા તેની નાણાકીય પોઝિશન સંતોષકારક છે. જોકે આરબીઆઈના આ નિવેદન બાદ પણ રોકાણકારોના સેન્ટિમેન્ટમાં કોઈ ફેર પડયો નહોતો અને આરબીએલના શેરમાં એક દિવસમાં સૌથી ઊંચો ઘટાડો જોવા મળ્યો હતો. અગાઉ બેંકના શેરે 22 એપ્રિલ 2020ના રોજ રૂ. 101.60ની ઐતિહાસિક નીચી સપાટી દર્શાવી હતી. જ્યાંથી બાઉન્સ થઈ તે રૂ. 270 પર જોવા મળ્યો હતો. જોકે છેલ્લા કેટલાંક મહિનાઓથી તે અન્ડરપર્ફેર્મર બની રહ્યો હતો. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન તેણે ધીમા ગ્રોથ, માર્જિનમાં ઘટાડા અને ઊંચા પ્રોવિઝન્સને કારણે રૂ. 30નો સામાન્ય નફે દર્શાવ્યો હતો. ત્રિમાસિક ધોરણે તેની ગ્રોસ એનપીએ 41 બેસિસ પોઇન્ટ વૃદ્ધિ દર્શાવતી હતી.જ્યારે એમએફ્આઈ-કાર્ડ્સ અને આરએસએ પરનો સ્ટ્રેસ 155 બેસિસ પોઇન્ટ્સ વધી 3.4 ટકા પર જોવા મળ્યો હતો.

(12:40 am IST)