Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

ઓમિક્રોન વધવા છતાં પણ યુપી સહિત ૫ રાજ્યોમાં ચૂંટણી સ્થગિત નહીં થાય ? : કેન્દ્રને ચૂંટણી પંચની તાકીદ - રસીકરણની ઝડપ વધારો : અંતિમ નિર્ણય લેવા જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ફરી એકવાર ચૂંટણી પંચ અને આરોગ્ય મંત્રાલય વચ્ચે બેઠક થશે

નવી દિલ્હી : સોમવારે ચૂંટણી પંચ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓની બેઠક થઈ હતી.  આ દરમિયાન સ્વાસ્થ્ય મંત્રાલયે પંચને યુપી, પંજાબ, ઉત્તરાખંડ સહિત ૫ ચૂંટણી-રાજ્યોમાં રસીકરણની સ્થિતિ વિશે માહિતી આપી હતી. બેઠક પછી, પંચે કેન્દ્ર સરકારને ચૂંટણી જ્યાં યોજાવાની છે તે રાજ્યોમાં રસીકરણને વધુ સઘન બનાવવા જણાવ્યું છે, જેથી ચૂંટણી સુધી વધુને વધુ લોકોને કોરોનાની રસી મળી શકે.

આયોગના આ આદેશથી એવું માનવામાં આવે છે કે યુપી સહિત પાંચેય રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી મોકૂફ નહીં રહે.  જો કે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ફરી એકવાર ચૂંટણી પંચ અને આરોગ્ય મંત્રાલય વચ્ચે બેઠક થશે.  આ બેઠકમાં ચૂંટણી મોકૂફ રાખવા કે યોજવા અંગે અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે.

યુપી, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં ૨૦૨૨ના શરૂઆતના મહિનામાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે.  પરંતુ કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના વધતા જતા કેસોને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.  

હાલમાં જ અલ્હાબાદ હાઈકોર્ટે પણ પીએમ નરેન્દ્રભાઈ મોદી અને ચૂંટણી પંચને ઓમિક્રોનના ખતરાને જોતા ચૂંટણી સ્થગિત કરવાની અપીલ કરી હતી.  જે બાદ આયોગે કહ્યું હતું કે અમે આ અંગે આગામી સપ્તાહે નિર્ણય લઈશું.  સ્વાસ્થ્ય મંત્રાલય સાથેની બેઠક બાદ ચૂંટણી પંચે કોઈ માહિતી આપી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે ચૂંટણી સમયસર થઈ શકે છે.

(12:00 am IST)