Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

સેન્સેક્સનો નબળી શરૂઆત બાદ ૨૯૬ પોઈન્ટનો કૂદકો

એશિયન બજારોમાં મિક્ષ વલણ વચ્ચે નબળી શરૂઆત : નિફ્ટી પણ ૮૩ પોઈન્ટ ઊંચકાયો, ત્રણ ટકાના છાળા સાથે ટેક મહિન્દ્રાના શેરને સૌથી વધુ લાભ થયો

મુંબઈ, તા.૨૭ : સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે ખરાબ શરૂઆતથી રિકવર થતા શેરબજાર લાભ સાથે બંધ થયું. સોમવારે દિવસના કારોબારને બંધ કર્યા પછી, બીએસઈ મુખ્ય સૂચકાંક સેન્સેક્સ ૨૯૫.૯૩ પોઈન્ટ એટલે કે .૫૨ ટકાના વધારા સાથે ૫૭,૪૨૦.૨૪ પોઈન્ટ પર બંધ થયો હતો. બીએસઈની સાથે સાથે એનએસઈ પણ દિવસના ટ્રેડિંગના અંત પછી સોમવારે લાભ સાથે બંધ થયો હતો. એનએસઈનો મુખ્ય સૂચકાંક નિફ્ટી ૮૨.૫૦ પોઈન્ટ એટલે કે .૪૯ ટકા વધીને ૧૭,૦૮૬.૨૫ પર બંધ થયો હતો. ઈન્ડેક્સમાં મજબૂત શેર ધરાવતા આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી લિ., એચડીએફસી બેંક અને ટેક મહિન્દ્રાના શેરો બજારમાં ઉછાળા સાથે વધ્યા હતા. ૩૦ શેરો ધરાવતો સેન્સેક્સ ટ્રેડિંગ દરમિયાન દિવસના સૌથી નીચા સ્તરથી ૯૬૦ પોઈન્ટ ઉછળ્યો હતો અને અંતે ૨૯૫.૯૩ પોઈન્ટ અથવા .૫૨ ટકા વધીને ૫૭,૪૨૦.૨૪ પોઈન્ટ પર બંધ થયો હતો. રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૮૨.૫૦ પોઈન્ટ અથવા .૪૯ ટકા વધીને ૧૭,૦૮૬.૨૫ પર બંધ થયો હતો.

સેન્સેક્સના શેર ત્રણ ટકાથી વધુ વધવા સાથે ટેક મહિન્દ્રા ટોપ ગેઇનર હતો. ઉપરાંત ડૉ. રેડ્ડીઝ, પાવરગ્રીડ, કોટક બેંક, સન ફાર્મા, આઈસીઆઈસીઆઈ બેંક અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પણ વધ્યા હતા. બીજી બાજુ ગુમાવનારાઓમાં ઇન્ડસઇન્ડ બેક્ન, એશિયન પેઇન્ટ્સ, મારુતિ અને ભારતી એરટેલનો સમાવેશ થાય છે. નરેન્દ્ર સોલંકી, હેડ ઓફ ઇક્વિટી રિસર્ચ (ફન્ડામેન્ટલ) આનંદ રાઠીએ જણાવ્યું હતું કે, એશિયન બજારોમાં મિશ્ર વલણ વચ્ચે ભારતીય બજાર નુકસાનમાં ખુલ્યું હતું. રજાના કારણે નીચા કારોબાર વચ્ચે ઓમિક્રોન વિશે વધતી જતી ચિંતાઓને કારણે આવું છે. બપોરના વેપારમાં, બજાર આરોગ્ય, ઔદ્યોગિક અને કેપિટલ ગુડ્સ કંપનીઓના ફાયદા સાથે સુધર્યું.

સોલંકીએ કહ્યું, મોનેટરી પોલિસી કમિટી (એમપીસી) ના સભ્યના શબ્દોથી વેપારીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમણે આશા વ્યક્ત કરી છે કે આગામી કેટલાક ત્રિમાસિક ગાળા માટે મૂડી રોકાણ વધશે અને આગામી નાણાકીય વર્ષમાં પણ આર્થિક વિકાસ દર વધુ સારો રહેશે. અન્ય એશિયન બજારોમાં ચીનમાં શાંઘાઈ કમ્પોઝિટ, દક્ષિણ કોરિયાના કોસ્પી અને જાપાનના નિક્કી ઘટયા હતા, જ્યારે હોંગકોંગના હેંગસેંગમાં સુધારો જોવા મળ્યો હતો. યુરોપના મુખ્ય બજારો બપોરના વેપારમાં મિશ્ર હતા. દરમિયાન, આંતરરાષ્ટ્રીય તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ .૦૧ ટકા વધીને ૭૫.૭૮ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે.

(12:00 am IST)