Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

દિલ્હીમાં સાત માસ બાદ સૌથી વધુ ૩૩૧ નવા કેસ

ઓમિક્રોનના ડરની વચ્ચે કોરોનાના કેસમાં જંગી વધારો : પાટનગરમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૧૪.૪૩ લાખને પાર પોઝિટિવિટી રેટ વધીને ૦.૭૦ ટકાની નજીક પહોંચ્યો

નવી દિલ્હી, તા.૨૭ : દિલ્હીમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. સોમવારે દિલ્હીમાં કોરોનાના નવા ૩૩૧ કેસ સામે આવ્યા બાદ કુલ સંક્રમિતોની સંખ્યા ૧૪.૪૩ લાખને પાર પહોંચી ગઈ છે. સાથે પોઝિટિવિટી રેટ પણ વધીને .૭૦ ટકાની નજીક પહોંચી ગયો છે. અહીં એક્ટિવ કેસ પણ વધીને ૧૩૦૦ની નજીક પહોંચી ગયા છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મહિના બાદ સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે.

દિલ્હી સરકારના સ્વાસ્થ્ય વિભાગ તરફથી સોમવારે જારી હેલ્થ બુલેટિન અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં જ્યાં કોરોનાના ૩૩૧ નવા કેસ સામે આવ્યા છે અને એક દર્દીનું નિધન થયુ છે. દિલ્હીમાં આજે ૧૪૪ લોકો સાજા થયા છે. સ્વાસ્થ્ય વિભાગે કહ્યું કે, દિલ્હીમાં અત્યાર સુધી સંક્રમિતોની કુલ સંખ્યા ૧૪,૪૩,૬૮૩ થઈ ગઈ છે.

રાજધાનીમાં હવે કોરોના વાયરસ સંક્રમણના એક્ટિવ કેસ એકવાર ફરી વધીને ૧૨૮૯ થઈ ગયા છે. તો તો અત્યાર સુધી ૧૪,૧૭,૨૮૮ લોકો કોરોનાથી સાજા થઈ ગયા છે. સાથે અત્યાર સુધી દિલ્હીમાં કોરોનાને કારણે ૨૫૧૦૬ લોકોના મૃત્યુ થયા છે.

દિલ્હીના સ્વાસ્થ્ય વિભાગ અનુસાર આજે દિલ્હીમાં કુલ ૪૮,૫૮૯ ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમાંથી ૪૬,૫૪૯ આરટીપીઆર/સીબીએનએએટી/ટ્રુનૈટ ટેસ્ટ અને ૨૦૪૦ રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા છે. દિલ્હીમાં અત્યાર સુધી ૩૨,૪૪,૭૮૩૧ ટેસ્ટ થયા છે અને પ્રતિ ૧૦ લાખ લોકો પર ૧૭,૦૭,૭૮૦ લાખ ટેસ્ટ કરવામાં આવ્યા છે. હવે દિલ્હીમાં કન્ટેઈન્મેન્ટ ઝોનની સંખ્યા વધીને ૩૧૦ થઈ ગઈ છે.

મહત્વનું છે કે દિલ્હીમાં વધતા કોવિડ-૧૯ મામલાને કારણે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા સોમવારથી નાઇટ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. રાત્રે ૧૧ કલાકથી શરૂ થઈ રહેલા રાત્રી કર્ફ્યૂમાં દર્દીઓ, ગર્ભવતી મહિલાઓ, જરૂરી વસ્તુઓ ખરીદવા જતા લોકો અને રેલવે, બસ સ્ટેશન અને એરપોર્ટથી આવતા-જતા લોકોને છૂટ આપવામાં આવશે. ડીડીએમએના આદેશ પ્રમાણે રાત્રે ૧૧ કલાકથી સવારે કલાક સુધી પ્રતિબંધ રહેશે. જે લોકો ઇમરજન્સી સેવાઓ અને મીડિયા સાથે જોડાયેલા છે તેને કર્ફ્યૂમાં છુટ મળશે.

(12:00 am IST)