Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

ભારતમાં ઓમિક્રોનના કુલ કેસ ૬૫૩ : મહારાષ્ટ્ર - દિલ્હી ટોપ પર

૫ રાજ્યોમાં નવા વેરિએન્ટે મચાવી તબાહી+

નવી દિલ્હી તા. ૨૮ : ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસના ૬,૩૫૮ નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન ૬,૪૫૦ લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હવે દેશમાં એકિટવ કેસની સંખ્યા વધીને ૭૫,૪૫૬ થઈ ગઈ છે. જયારે કુલ રિકવરી રેટ ૯૮.૪૦ ટકા છે. દરમિયાન, દેશના ઘણા રાજયોમાં કોરોના વાયરસના નવા ઓમિક્રોન વેરિઅન્ટના કેસ વધી રહ્યા છે.

ભારતમાં આ નવા વેરિઅન્ટના કુલ કેસની સંખ્યા ૬૫૩ થઈ ગઈ છે. દિલ્હી અને મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત છે. ઓમિક્રોન વેરિઅન્ટના મોટાભાગના કેસો અહીં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિઅન્ટના ૧૬૭ કેસ છે, જયારે દિલ્હીમાં ૧૬૫, કેરળમાં ૫૭, તેલંગાણામાં ૫૫ અને ગુજરાતમાં ૪૯ કેસ નોંધાયા છે. ઓમિક્રોન વેરિઅન્ટમાંથી ડિસ્ચાર્જ, ટ્રાન્સફર, રિકવર થયેલા દર્દીઓની સંખ્યા મહારાષ્ટ્રમાં ૬૧, દિલ્હીમાં ૨૩, કેરળમાં ૧, તેલંગાણામાં ૧૦ અને ગુજરાતમાં ૧૦ છે. આ પાંચ રાજયો બાદ અન્ય અસરગ્રસ્ત રાજયોમાં રાજસ્થાન, તમિલનાડુ, કર્ણાટક, મધ્યપ્રદેશ અને ઓડિશાનો સમાવેશ થાય છે. ઓમિક્રોન વેરિઅન્ટ વધુ ઝડપથી ફેલાતો હોવાનું કહેવાય છે. જો કે હજુ સુધી તેના ગંભીર લક્ષણો વિશે કોઈ માહિતી સામે આવી નથી.

દેશમાં વાયરસના કહેરથી બચવા માટે રસીકરણની ઝડપ વધારી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં રસીના ૧૪૨.૪૭ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. એકિટવ કેસ કુલ કેસના ૧ ટકા કરતા ઓછા છે, હાલમાં તે ૦.૨૨ ટકા છે. આ આંકડો માર્ચ ૨૦૨૦ પછીનો સૌથી ઓછો છે. જયારે રિકવરી રેટ હાલમાં ૯૮.૪૦ ટકા છે, જે માર્ચ ૨૦૨૦ પછી સૌથી વધુ છે. છેલ્લા ૮૫ દિવસમાં દૈનિક પોઝિટિવિટી દર (૦.૬૧ ટકા) ૨ ટકા કરતા ઓછો છે. જયારે છેલ્લા ૪૪ દિવસમાં સાપ્તાહિક પોઝિટિવિટી દર (૦.૬૪ ટકા) ૧ ટકાથી ઓછો નોંધવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં ૬૭.૪૧ કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

(11:04 am IST)