Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

ધર્મ સંસદ કોંગ્રેસની હતી, ભાજપ ઉપર સવાલો ઉઠાવવા યોગ્ય નથીઃ રમનસિંહનો પલટવાર

રાયપુરમાં કાલીચરણ મહારાજની ગાંધીજી વિશે અશોભનીય ટીપ્પણીથી રાજકારણ ગરમાયુ

રાંચી, તા. ૨૮ :. છત્તીસગઢમાં આયોજીત ધર્મ સંસદમાં ધાર્મિક નેતા કાલીચરણ મહારાજે કથીતરૂપે મહાત્મા ગાંધી વિરૂદ્ધ અપમાનજનક નિવેદનથી મોટો વિવાદ ઉભો થયો છે. જેને લઈને ભાજપને ઘેરવાની કોશિષ કરાઈ રહી છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રમનસિંહે પલટવાર કરતા જણાવેલ કે આનુ આયોજન કોંગ્રેસે કર્યુ હતું. જેથી ભાજપ ઉપર સવાલો ઉઠાવવા યોગ્ય નથી.

રમનસિંહે જણાવેલ કે ધર્મ સંસદનું આયોજન કોંગ્રેસ દ્વારા કરાયેલ ભાજપ ઉપર પ્રશ્નો ઉઠાવવા બરાબર નથી. આ વિષય કોંગ્રેસની આંતરિક રાજનીતિનું પરિણામ છે. કોઈને પણ બાપુ ઉપર ટીપ્પણી ન કરવી જોઈએ. બે દિવસ પહેલા રાયપુરમાં ધર્મ સંસદમાં ગાંધીજી વિરૂદ્ધ અપમાનજક શબ્દો બોલવા બદલ કાલીચરણ મહારાજ વિરૂદ્ધ કેસ નોંધાયો છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ અકોલા, મહારાષ્ટ્રથી આવેલ કાલીચરણ મહારાજે પોતાના ભાષણમાં ગાંધીજી વિરૂદ્ધ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. તેમના ભાષણમાં સમાજમાં વિભિન્ન સમુદાયો વચ્ચે નફરત ઉભી કરનાર નિવેદન પણ સામેલ હતા.

છત્તીસગઢના મુખ્યમંત્રી બધેલે જણાવેલ કે કોઈ પણ વ્યકિત કોઈપણ પ્રકારની ટીપ્પણી કરી લોકોને ભડકાવવાની કોશિષ કરશે તો કાયદા હેઠળ કડક કાર્યવાહી કરાશે. બાપુને ગાળ આપી અને સમાજમાં ઝેર ફેલાવી જો કોઈ પાખંડી વિચારે છે કે તે પોતાના ઈરાદામાં સફળ થશે તો તે તેનોે ભ્રમ છે. તેમના આકાઓએ પણ સાંભળવું જોઈએ.

દરમિયાન રમનસિંહે બધેલ ઉપર નિશાન સાધતા જણાવેલ કે તેમને રાજકારણ સિવાય કશું સમજ નથી આવતું. સરકાર આખા છત્તીસગઢના વિકાસના મામલે વિફળ રહી છે. ત્રણ વર્ષમાં કોંગ્રેસના મોટા-મોટા પોસ્ટરો છપાઈ રહ્યા છે. અહીં રસ્તાઓ, સ્કૂલ અને હોસ્પીટલ નથી.

(3:01 pm IST)