Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

સેન્સેક્સનો ૪૭૭, નિફ્ટીનો ૧૪૭ પોઈન્ટનો મોટો કૂદકો

સતત બીજા દિવસે બજારમાં તેજી જોવા મળી : શેરબજાર સતત બીજા દિવસે ઉછાળા સાથે બંધ

મુંબઈ, તા.૨૮ :  આજે એટલે કે મંગળવારે શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું અને દિવસભરના ઉતાર-ચઢાવ બાદ વધારા સાથે બંધ થયું. સેન્સેક્સ ૪૭૭.૨૪ પોઈન્ટના વધારા સાથે ૫૭,૮૯૭.૪૮ પર બંધ રહ્યો હતો. બીજી તરફ એનએસઈનો નિફ્ટી પણ ૧૪૭ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭,૨૩૩.૨૫ પર બંધ રહ્યો હતો. વૈશ્વિક બજારોમાં મજબૂત વલણ વચ્ચે ઇન્ડેક્સ હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ફોસિસ અને એચડીએફસી બેક્નમાં ઉછાળા સાથે બજારો ઉંચા ગયા હતા.

સેન્સેક્સના શેરમાં લગભગ ત્રણ ટકાનો ઉછાળો સાથે એશિયન પેઈન્ટ્સ ટોપ ગેનર રહ્યો હતો. ઉપરાંત સન ફાર્મા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એનટીપીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ અને ટાઇટન પણ વધ્યા હતા. બીજી તરફ, ખોટ કરતા શેરોમાં ઇન્ડસઇન્ડ બેક્ન અને પાવરગ્રીડનો સમાવેશ થાય છે. જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે યુએસ માર્કેટમાં મક્કમતા (સોમવારે રેકોર્ડ હાઇ પર એસએન્ડપી ૫૦૦) અને ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો સૂચવે છે.

જોકે કોરોના વાયરસના નવતર સ્વરૂપ ઓમિક્રોનથી સંક્રમણ વધી રહ્યું છે પરંતુ આર્થિક પ્રવૃત્તિઓ પર તેની અસર થવાની અપેક્ષા નથી. અન્ય એશિયન બજારોમાં ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ, હોંગકોંગનો હેંગસેંગ, દક્ષિણ કોરિયાનો કોસ્પી અને જાપાનનો નિક્કી સુધર્યો હતો. યુરોપના મુખ્ય બજારોમાં પણ બપોરે ટ્રેડિંગ દરમિયાન તેજીનું વલણ જોવા મળ્યું હતું. દરમિયાન, આંતરરાષ્ટ્રીય તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૬૧ ટકા વધીને ૭૮.૭૦ ડોલર પ્રતિ બેરલ પર હતું.

(7:20 pm IST)