Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

સુપ્રિયા લાઇફ સાયન્સિસના શેરનું ઇશ્યૂ કિંમતથી ૫૫.૧૧% એટલે કે ૧૫૧ના પ્રીમિયમ પર ૪૨૫ રૂપિયા પર લિસ્ટિંગ

મુંબઈ, તા.૨૮: સુપ્રિયા લાઇફ સાયન્સિસના આઈપીઓ નું આજે ભારતીય શેર બજારમાં શાનદાર લિસ્ટિંગ થયું છે. BSE પર સુપ્રિયા લાઇફસાયન્સિસના શેરનું ઇશ્યૂ કિંમતથી ૫૫.૧૧% એટલે કે ૧૫૧ રૂપિયાના પ્રીમિયમ પર ૪૨૫ રૂપિયા પર લિસ્ટિંગ થયું હતું. જયારે NSE પર શેરનું ૫૩.૬૫% પ્રીમિયમ પર લિસ્ટિંગ થયું હતું. NSE પર શેર ૧૪૭ રૂપિયા વધીને ૪૨૧ રૂપિયા પર ખુલ્યો હતો. સુપ્રિયા લાઇફસાયન્સિસના આઈપીઓને રોકાણકારો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. આઈપીઓ ૧૬મી ડિસેમ્બરના રોજ ખુલ્યો હતો અને ૨૦મી ડિસેમ્બરના રોજ બંધ થયો હતો. આઈપીઓ કુલ ૭૧.૫૧ ગણો ભરાયો હતો. જેમાં નોન-ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સનો હિસ્સો ૧૬૧.૨૨ ગણો, રિટેલ રોકાણકારોનો હિસ્સો ૫૬.૦૧ ગણો અને કવોલિફાઈડ ઇન્સ્ટીટ્યૂશનલ બાયર્સ માટે અનામત હિસ્સો ૩૧.૮૩ ગણો ભરાયો હતો.

કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ ૨૬૫-૨૭૪ રૂપિયા રાખી હતી. આઈપીઓ મારફતે કંપની ૭૦૦ કરોડ રૂપિયા એકઠા કર્યાં છે. જેમાંથી ૨૦૦ કરોડ રૂપિયાના નવા ઇકિવટી શેર જાહેર કરવામાં આવ્યા છે, જયારે કંપનીના પ્રમોટર્સ ૫૦૦ કરોડ રૂપિયાના શેર ઓફર ફોર સેલ માટે મૂકયા હતા.

આઈપીઓમાં રિટેલ રોકાણકાર ઓછામાં ઓછા ૫૪ શેરના એક લોટ માટે બીડ કરી શકતા હતા. અપર પ્રાઇસ બેન્ડ પ્રમાણે ઓછામાં ઓછું રોકાણ ૧૪,૭૯૬ રૂપિયા થતું હતું. ઇશ્યૂ બાદ અપર પ્રાઇસ બેન્ડ પ્રમાણે કંપનીની માર્કેટ કેપ ૨,૨૦૦ કરોડ રૂપિયા થાય છે.

(4:08 pm IST)