Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

સ્વતંત્રતા આંદોલનમાં જેમની કોઇ ભૂમિકા નથી તેઓ દેશમાં નફરત ફેલાવે છે : આ સામે લડશે કોંગ્રેસ

કોંગ્રેસના સ્થાપના દિવસના પ્રસંગે સોનિયા ગાંધીનું કાર્યકરોને સંબોધન : ઇતીહાસને ખોટો ઠેરવવામાં આવી રહ્યો છે : દેશની ગંગા - જમુના સંસ્કૃતિને મીટાવી દેવાના પ્રયાસો થાય છે

નવી દિલ્હી તા. ૨૮ : પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ કોંગ્રેસના ૧૩૭માં સ્થાપના દિવસના અવસર પર કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. તેમણે કહ્યું કે આઝાદીની ચળવળમાં જેમની કોઈ ભૂમિકા નથી તેઓ આજે દેશમાં નફરતનું વાતાવરણ બનાવી રહ્યા છે. તિરસ્કાર અને પૂર્વગ્રહમાં બંધાયેલી આ વિભાજનકારી વિચારધારાઓ દેશના બિનસાંપ્રદાયિક તાણને પાયમાલ કરી રહી છે. સોનિયા ગાંધીએ વધુમાં કહ્યું કે આ વિચારધારાઓ એવા ઇતિહાસને ફરીથી લખવાનો પ્રયાસ કરી રહી છે જે તેને લાયક નથી. લોકશાહીની પરંપરાઓને જાણી જોઈને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ દેશ માટે આ વિનાશક વિચારધારાઓ સામે લડવા તૈયાર છે.

સતત બે લોકસભા ચૂંટણી હારી ગયેલી અને રાજયોમાં પ્રાદેશિક પક્ષો સામે બિનઅસરકારક બનેલી કોંગ્રેસ સ્થાપના દિવસની સાથે જ પોતાની જાતને નવેસરથી મજબૂત કરવા જઈ રહી છે. સ્થાપના દિવસ નિમિત્ત્।ે આગેવાનો અને કાર્યકરોએ ધરણા પ્રદર્શન અને આંદોલનની રણનીતિ પર આગળ વધવાની પ્રતિજ્ઞા લીધી હતી. કોંગ્રેસ હવે બેરોજગારી અને સરકારી કંપનીઓના ખાનગીકરણના મુદ્દે બોલશે.

કોંગ્રેસના ૧૩૭માં સ્થાપના દિવસની ઉજવણીમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. પાર્ટી કાર્યાલયમાં સ્થાપના દિવસ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાર્યકરોની સાથે કોંગ્રેસના ઘણા મોટા નેતાઓએ પણ ભાગ લીધો હતો. સમારોહ દરમિયાન જયારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી ધ્વજ ફરકાવતા હતા ત્યારે કોંગ્રેસનો ઝંડો જ નીચે પડી ગયો હતો.

(4:09 pm IST)