Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

ભાજપના સાંસદની ડાગળી ચસ્કી

૧૫ લાખ સુધીની લાંચ એ કોઈ ભ્રષ્ટાચાર નથી, પૈસા ખર્ચીને ચૂંટણી જીત્યા છે : આવતી ચૂંટણી માટેની વ્યવસ્થા તો કરવી પડે ને !

ભોપાલ, તા.૨૮: મધ્ય પ્રદેશના રીવાથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ જનાર્દન મિશ્રા પોતાના નિવેદનોને લઈને સતત ચર્ચામાં રહેતા હોય છે, જેના કારણે તેઓ ઘણી વાર ફસાઈ પણ ગયા છે. જનાર્દન મિશ્રા એક જાહેરસભામાં સરપંચોના ભ્રષ્ટાચારની વકીલાત કરતા જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે, મને સરપંચોના ભ્રષ્ટાચારની ફરિયાદ ન કરો. જો કોઈ સરપંચ ૧૫ લાખ રૂપિયા સુધી ભ્રષ્ટાચાર કરે છો, મને ન કહો. તેણે પૈસા લગાવીને ચૂંટણી જીતી છે, આવતી ચૂંટણી માટે પણ તેને પૈસા જોઈએ. જો કોઈ સરપંચ ૧૫ લાખથી વધારેનો ભ્રષ્ટાચાર કરે તો માની શકાય કે, તેણે કોઈ ગરબડ કરી છે

ભાજપ સાંસદ જનાર્દન મિશ્રાએ કહ્યું કે, જયારે લોકો અમારી સામે આવે છે કે સરપંચ લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, તો હું કહું કે, જો કોઈએ ૧૫ લાખ સુધીનો ભ્રષ્ટાચાર કર્યો છે, તો ભાઈ મને ન કહેતા, ૧૫ લાખથી આગળ કોઈ કરે તો તેને ભ્રષ્ટાચાર માની શકાય. કારણ કે, ૭ લાખ તેણે ચૂંટણી જીતવામાં લગાવ્યા છે અને ૭ લાખ તેને આવતી ચૂંટણી માટે જોઈએ. મોંદ્યવારી વધશે તો વધું ૧ લાખ જોડી દો. તો ૧૫ લાખ તો થઈ જાય. ૧૫ લાખથી આગળ કોઈ ગરબડ કરે તો, મને કહેજો, આને કહેવાય ભ્રષ્ટાચાર. આ જ આપણો સમાજ છે, અને આ ક્રમમાં જ તમારે આગળ વધવું પડશે.

અહીં ઉલ્લેખનીય છે કે, ભાજપ સાંસદ જનાર્દન મિશ્રાને વિવાદો સાથે જૂનો નાતો છે. આ અગાઉ પણ તેમણે એક નિવેદનમાં કહ્યુ હતું કે, જયાં સુધી પીએમ મોદીની દાઢી છે, ત્યાં સુધી ગરીબોને પીએમ આવાસ મળતા રહેશે. જયારે પણ તેઓ પોતાની દાઢી હલાવે છે, તો લાખો આવાસ તેમાંથી નિકળે છે. પીએમ મોદી જેટલી વાર દાઢી હલાવશે, તેટલી વાર તેમાંથી મકાન નિકળશે. પીએમ મોદીની દાઢી જોવાનું બંધ કરશો, તો મકાન મળવાના પણ બંધ થઈ જશે.

(4:12 pm IST)